ન્યુ યોર્કમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ પર્ફ્યુમ રજૂ થયું

ન્યુ યોર્કઃ વેલેન્ટાઇન ડેએ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ઉત્તર પ્રદેશના કન્નોજનું ‘મેડ ઇન ઇન્ડિયા’ પર્ફ્યુમ ન્યુ યોર્કમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ન્યુ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા રણધીર જયસ્વાલે ‘વિકાસ ખન્ના બાય જિઘરાના’નું પર્ફ્યુમ લોન્ચ કર્યું હતું.

પર્ફ્યુમ બનાવતી કંપની જિઘરાનાએ કહ્યું હતું કે એક ભારતીય સાંસ્કૃતિકપ્રેમી અને બિઝનેસમેન વિકાસ ખન્નાની સાથે કામ કરવાની બહુ ખુશી થઈ રહી છે. આ સંભવિતપણે પહેલી વાર છે કે અમારી પાસે કન્નોજ-ઉત્તર પ્રદેશનું એક ભારતીય પરફ્યુમ હશે. વળી, એ એવા સમયે છે કે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે.જિઘરાનાના CEO સ્વપ્નિલ પાઠક શર્માએ કહ્યું હતું કે અહીં ન્યુ યોર્કમાં પ્રોડક્ટ લોન્ચ કરવી એ સન્માનની વાત છે. એન નાના શહેરથી અહીં આવવું એ એક સપનું સાચું પડવા જેવું છે. વળી વૈશ્વિક મંચ પર પ્રોડક્ટ રજૂ કરવી એ અમારા માટે આનંદની વાત છે.

વળી, જિઘરાનાનું નવું પર્ફ્યુમ લવિંગ, એલચી, જાયફળ, ચંદન અને ગુલાબ જેવા મસાલાઓનું અનોખું મિશ્રણ છે. પર્ફ્યુમ ઉત્પાદકે કહ્યું હતું તેમણે શુદ્ધ ગુલાબના તેલ જેવી કીમતી સામગ્રીનો વપરાશ કર્યો છે. 20 ગ્રામ ગુલાબનું તેલ બનાવવા માટે આશરે 100 કિલોગ્રામ ફૂલનો ઉપયોગ થાય છે. જિઘરાનાની મૂળ કંપની 1911માં અત્તર બનાવવાનો કૌટોમ્બિક ઇતિહાસ છે. કન્નોજને ભારતની અત્તરોની રાજધાની પણ કહેવાય છે.