કોરોના કેસ વધ્યા છતાં પાકમાં લોકડાઉન નિયંત્રણો હળવાં કરાયાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોના વાઇરસના રેકોર્ડ 1,991 કેસ નોંધાયા હતા અને 24 જણનાં મોત થયાં હતા. એ સાથે આ વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 29,000ને પાર થઈ છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જોકે પાકિસ્તાને દેશમાં કોરોનાના કેસ વધવા છતાં શનિવારથી લોકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાનો પ્રારંભ એમ કહીને કર્યો હતો કે સરકાર પાસે લોકોને આપવા પૈસા નથી એટલે લોકડાઉન ખોલ્યા સિવાય છૂટકો નથી. સરકારે દેશમાં ઉદ્યોગોને વહેલી સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી ખોલવા માટે મંજૂરી આપતાં પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કરી હતી.

ઇમરાન કહે છે, સરકાર પાસે પૈસા નથી

પાકિસ્તાનમાં પાંચ સપ્તાહ પછી વડા પ્રધાન ઇમરાન ખાને લોકડાઉનને હટાવી દેવાની જાહેરાત કરી હતી. જોકે પાટનગર ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં સરકારે આંશિક લોકડાઉનની મુદત 31 મે સુધી લંબાવી છે. દુકાનોને અઠવાડિયામાં પાંચ દિવસ માટે સવારે 8થી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે. શનિ-રવિવારના દિવસોએ દુકાનો બંધ રહેશે.

ઇમરાને કહ્યું કે લોકડાઉનને કારણે પાકિસ્તાનની હાલત ઠીક નથી. સરકાર તો પહેલેથી જ મુશ્કેલીમાં ચાલી રહી છે. અમે બધાને પૈસા તો ના આપી શકીએ. હિન્દુસ્તાન સાથે તુલના કરો જેની સ્થિતિ આપણાથી સારી છે. અમે તો લોકોને બહુ પૈસા આપ્યા, પણ હવે અમે કેટલી વાર પૈસા આપી શકીએ. જેથી લોકડાઉન ખોલવામાં જ સાર છે, એમ ઇમરાન ખાને કહ્યું હતું.

ડોક્ટરોએ લોકડાઉન ઉઠાવવા સામે ચેતવણી આપી

પાકિસ્તાન સરકારે ગઈ કાલથી લોકડાઉન ઉઠાવી લેવાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ ડોક્ટરોએ આ લોકડાઉન ઉઠાવી લેવા સામે ચેતવણી ઉચ્ચારી હતી. પાકિસ્તાન મેડિકલ એસોસિએશને (PMAએ) માગ કરી હતી કે સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શિકાઓનું પાલન કરે અને લોકડાઉનનો કડક અમલ કરાવે.

છેલ્લા 24 કલાકમાં 21નાં મોત

છેલ્લા 24 કલાકમાં 21 નવાં મોત થયાં હતા અને આ સાથે અત્યાર સુધી કુલ મોતની સંખ્યા વધીને 639 થઈ છે.

કરાચીમાં આ સ્થિતિ તો અન્ય શહેરોમાં?

PMAના પ્રતિનિધિ ડો.ઇકરામ તુનિયોએ જણાવ્યું કે, અમારું માનવું છે કે દેશમાં કોરોના કેસોની સંખ્યામાં ચોક્કસ વધારો થશે. અમારી માહિતી મુજબ કરાચીમાં પાંચ હોસ્પિટલો એવી છે કે જેમાં કોરોના દર્દીઓ માટે કુલ 63 બેડની વ્યવસ્થા છે. જો કરાચી જેવા શહેરની આ સ્થિતિ હોય તો અન્ય શહેરોની તમે કલ્પના કરી શકો છો.

પાકિસ્તાનમાં ક્યાં કેટલા કેસ

પંજાબ પ્રાંતમાં 11,093 કેસ, સિંધમાં 10,771, ખૈબર-પખ્તુનવામાં 4,509, બલૂચિસ્તાનમાં 1935, ઇસ્લામાબાદમાં 641 ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 430 કેસ અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં કોરોનાના 86 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,465એ પહોંચી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]