ટ્રિપોલીઃ આફ્રિકા ખંડના આરબ દેશ લિબીયા દેશમાં ડેનિયલ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાને કારણે પડેલા ભારે વરસાદને કારણે પૂર્વ ભાગમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા ડેર્ના શહેરમાં ભયાનક પૂર આવ્યું છે અને એને કારણે પા ભાગનું શહેર બરબાદ થઈ ગયું છે. વાવાઝોડાને કારણે કેટલાક ડેમમાં ભંગાણ પડ્યું હતું અને કારણે પૂર આવ્યું છે. રેડ ક્રોસ સંસ્થાએ કહ્યું છે કે પૂરને કારણે સમગ્ર લિબીયામાં 10,000 જેટલા લોકો લાપતા થયા હોવાની આશંકા છે.
લિબીયામાં વાવાઝોડા, પૂરની આફતને કારણે 2,000થી વધારે લોકોના મોત નિપજ્યા છે. એકલા ડેર્ના શહેરમાં જ 1,000થી વધારે લોકો માર્યા ગયા છે.
આ શહેરમાં આશરે સવા લાખ લોકોની વસ્તી છે. પરંતુ પા ભાગનું શહેર બરબાદ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર વાહનો ઊંધા પડેલા દેખાય છે, ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે, ઘરો અને મકાનોમાં પૂરનાં પાણી ઘૂસી ગયા છે. જાહેર સેવાઓ ખોરવાઈ ગઈ છે. લિબીયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત સરકાર છે, પરંતુ ડેર્ના શહેર પર એનો અંકુશ નથી. તે છતાં એણે રાહત પૂરવઠો મોકલાવ્યો છે. પશ્ચિમ ભાગમાં આવેલા મિસરાતા શહેરમાંથી રાહત સામગ્રી લઈને એક વિમાન ડેર્ના પહોંચ્યું છે.