2018માં પણ ન્યૂક્લિયર પરીક્ષણ ચાલુ રાખશે નોર્થ કોરિયા: મીડિયા રિપોર્ટ

પ્યોંગયાંગ- નોર્થ કોરિયા વર્ષ 2018માં પણ પોતાની પરમાણું તાકાત વધારવાનું યથાવત રાખશે. નોર્થ કોરિયાના સરકારી મીડિયાએ આ અંગેની જાણકારી આપી છે. નોર્થ કોરિયાની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે, પ્યોંગયાંગ તેના પરમાણું કાર્યક્રમનો વિકાસ ચાલુ રાખશે. જેથી દેશ વૈશ્વિક સમુદાયમાં પરમાણું શક્તિ બનીને વધુ તાકતવર થઈ શકે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી કોઈ પણ વૈશ્વિક તાકાત અમને કમજોર ગણવાની ભૂલ ન કરે. એક જવાબદાર પરમાણુ શક્તિ તરીકે અમે બધી મર્યાદાઓને પાર કરીને નોર્થ કોરિયાને નવી ઉંચાઈ પર પહોંચાડી શકીએ.

નોર્થ કોરિયાએ ગત 3 સપ્ટેમ્બર 2017ના રોજ તેના અત્યાર સુધીના સૌથી વધુ તાકતવર પરમાણુ હથિયારના પરીક્ષણના વખાણ કરતાં તને નોર્થ કોરિયાની ઐતિહાસિક જીત ગણાવી છે. ત્યારબાદ નોર્થ કોરિયાએ ગત 28 નવેમ્બરે તેના આંતરમહાદ્વીપ બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પ્યોંગયાંગના જણાવ્યા મુજબ આ મિસાઈલ અમેરિકાના કોઈપણ ભૂ-ભાગમાં પ્રહાર કરવા સક્ષમ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી નોર્થ કોરિયાને અમેરિકા તરફથી જોખમ છે, ત્યાં સુધી નોર્થ કોરિયા તેની આત્મરક્ષા માટે અને સંભવિત હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોતાની પરમાણું શક્તિઓનો વિસ્તાર કરતું રહેશે. નોર્થ કોરિયાના મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો અમેરિકા તરફથી સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો નોર્થ કોરિયા તેનો યોગ્ય જવાબ આપશે.