જાધવના પરિવાર સાથે ખરાબ વર્તન માટે ISI જવાબદાર, લશ્કરના આતંકીએ કર્યા વખાણ

0
2115

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની જેલમાં બંધક બનાવાયેલા ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ સાથે તેમના પરિવારની મુલાકાત દરમિયાન તેમની માતા અને પત્ની સાથે કરવામાં આવેલા ખરાબ વ્યવહારનો પડઘો ભારતમાં સંસદથી સડક સુધી જોવા મળ્યો. પાકિસ્તાનના આ અસભ્ય વ્યવહાર પાછળ પાક.ની જાસુસી સંસ્થા ISIનો હાથ હોવાની વાત સામે આવી છે.

મળતી માહિતી મુજબ જાધવના પરિવાર સાથે અસભ્ય વર્તન કરવાનું ષડયંત્ર ISI દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ માટે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ISIના વખાણ પણ કર્યા છે. રાવલપિંડીમાં આયોજીત એક રેલી દરમિયાન આતંકી સંગઠન લશ્કરના કો-ફાઉન્ડર આમિર હમઝાએ કહ્યું કે, ISI ઘણું ઝડપથી કામ કરી રહ્યું છે અને જાધવ સાથેની મુલાકાત દરમિયાન ISIએ જાધવની પત્નીના જૂતા પણ ઉતરાવી દીધાં હતાં.

હમઝાએ ISIની સરખામણી ચિત્તાની આંખ સાથે કરતાં જણાવ્યું કે, ભારતના નિવેદન બાદ પાકિસ્તાને મનાવતાના આધારે જાધવને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. ભારત ઈચ્છતું હતું કે, જાધવનો પરિવાર આમને સામને મુલાકાત કરે, જોકે ISIએ એ વાત શક્ય થવા દીધી નહતી. જાધવની પત્નીના જૂતામાં કેમેરો મળી આવ્યો હોવાનો પણ હમઝાની એજન્સીએ દાવો કર્યો છે.