કાબુલ: આત્મઘાતી વિસ્ફોટમાં 25ના મોત, 45 ઘાયલ, વધી શકે છે મૃત્યુઆંક

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે બે આત્મઘાતી વિસ્ફોટ થયા હતાં. આ વિસ્ફોટમાં 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાબુલ પોલીસે આ વિસ્ફોટની જાણકારી આપી હતી. બીજો વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે લોકો ઈજાગ્રસ્તોની મદદ કરી રહ્યાં હતા. આ બન્ને વિસ્ફોટમાં 45 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં કેટલાંકની હાલત નાજુક જણાવાઈ રહી છે. જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વિસ્ફોટ બાદ સર્જાયો ભયનો માહોલ

અફઘાનિસ્તાનના હેલ્થ મિનિસ્ટરે આ હુમલામાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાની પુષ્ટી કરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિસ્તાર કોર્ડન કરી લીધો છે. જોકે વિસ્ફોટના લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હજી સુધી વિસ્ફોટના કારણોઅંગે કાબુલ પ્રશાસન કોઈ ચોક્કસ તારણ પર પહોંચી શક્યું નથી. અને કોઈ આતંકી સંગઠને પણ હજી સુધી વિસ્ફોટની જવાબદારી પણ સ્વીકારી નથી.

ઉલ્લેખનીય છે કે, ગત 15 દિવસમાં અફઘાનિસ્તાનમાં કુલ 6 હુમલા કરવામાં આવ્યા છે. એક અઠવાડિયા પહેલાં કાબુલમાં થયેલા હુમલામાં 60 લોકોના મોત થયા હતાં અને 129 લોકો ઘાયલ થયાં હતાં.