કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગ સાથે ઉપવાસ આંદોલન

આણંદઃ આણંદ જિલ્લાના કરમસદ ગામે સરદાર પ્રેમીઓ આજથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ઉપવાસીઓની માગણી છે કે સરદારના ગામ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. જ્યાં સુધી આ ગામને રાષ્ટ્રીય દરજ્જો નહીં મળે ત્યાં સુધી સરદાર પ્રેમીઓ ઉપવાસ ચાલુ રાખશે.

લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય ગામ જાહેર કરવાની માંગણી વધારે ઉગ્ર બની છે. કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવાની માંગ સાથે કરમસદવાસીઓ આજથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ગામના લોકોનો દાવો છે કે 2002માં નરેન્દ્ર મોદીએ કરમસદને નેશનલ લેવલે ઓળખ આપવાનું વચન અપાવ્યું હતું. પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારના પગલા લેવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. કરમસદને રાષ્ટ્રીય જાહેર કરવાનો મામલો 1995થી ચાલ્યો આવે છે. 1995માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે પોરબંદરની સાથે સાથે કરમસદને પણ નેશનલ વિલેજ જાહેર કરવા પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે કોંગ્રેસની સરકારે માત્ર પોરબંદરની માંગ માન્ય રાખી હતી.

તો ગામ લોકોએ એવો દાવો પણ કર્યો છે કે અઢી વર્ષ પહેલા સરદાર હિત રક્ષક સમિતિના સભ્યોએ વડાપ્રધાન મોદીને દિલ્હીમાં મળીને રજૂઆત કરી હતી. ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટને જરૂરી દસ્તાવેજ સાથે જવાબ આપવા આદેશ આપ્યા હતા. જે બાદ પણ કોઈ પગલાં ન લેવાતા PMO અને CMOમાં સંખ્યાબંધ ઈમેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. તો સીએમ રૂપાણીને પણ રૂબરૂ રજૂઆત કરાઈ તેમ છતાં કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવામાં આવ્યું નથી. જેથી સરદારપ્રેમીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

ઉપવાસ કરતા લોકોનું કહેવું છે કે પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીનું નિરસ વલણ રહેતા સિનિયર સિટીઝન દ્વારા કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. અને આ સરદારપ્રેમીઓ અનિશ્ચિત કાળ સુધી આમરણાંત ઉપવાસ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]