ટ્રમ્પે યેરુસલેમને ઈઝરાયલનું પાટનગર ઘોષિત કર્યું; અનેક દેશનો વિરોધ

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોની ટીકા અને નારાજગીની પરવા કર્યા વગર ગઈ કાલે યેરુસલેમને ઈઝરાયલના પાટનગર તરીકે ઘોષિત કરી દીધું છે. એમના નિર્ણયને પગલે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે અને વિરોધનો વંટોળ થયો છે.

ટ્રમ્પની જાહેરાત બાદ તરત જ યૂનાઈટેડ નેશન્સ સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે રાજદ્વારી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનવાસીઓની શાંતિની સંભાવનાને જોખમાવે એવા કોઈ પણ એકતરફી પગલાંની હું વિરુદ્ધમાં છું.

યેરુસલેમનો મુદ્દો સુરક્ષા પરિષદ તથા યૂએન મહાસમિતિમાં પસાર કરવામાં આવેલા સંબંધિત ઠરાવોના આધારે બંને પક્ષ (ઈઝરાયલ અને પેલેસ્ટાઈન) વચ્ચે સીધી વાટાઘાટ કરાવીને જ ઉકેલવો જોઈએ.

ટ્રમ્પે ગઈ કાલે પોતાની જાહેરાત કરતી વખતે 1995માં યૂએસ સંસદે પાસ કરેલા એક કાયદાનો હવાલો આપ્યો હતો, જેમાં યૂએસ દૂતાવાસને તેલ અવિવને બદલે યેરુસલેમમાં ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પોતે ચૂંટણી પ્રચાર વખતે આપેલા વચનનું પાલન જ કર્યુ છે, એવું ટ્રમ્પે કહ્યું.

ટ્રમ્પના નિર્ણયનો વ્યાપક વિરોધ થયો છે. ચીને પણ વિરોધ કર્યો છે અને ખ્રિસ્તીઓના વડા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પણ વિરોધ કર્યો છે. અમેરિકાના મિત્ર દેશોએ પણ એમની પોતપોતાની દૂતાવાસોને યેરુસલેમમાં ખસેડવાનો ઈનકાર કરી દીધો છે.

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ ગઈ કાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે અંતિમ સમાધાન થાય એ પહેલાં ઈઝરાયલના પાટનગર તરીકે યેરુસલેમને માન્યતા આપવા અને દૂતાવાસને યેરુસલેમમાં ખસેડવાની અમેરિકાની જાહેરાત સાથે પોતે સંમત થતાં નથી.

દરમિયાન, યૂનાઈટેડ નેશન્સ સિક્યૂરિટી કાઉન્સિલના 15માંના આઠ સભ્ય દેશોએ માગણી કરતાં કાઉન્સિલે શુક્રવારે તાકીદની બેઠક બોલાવી છે.

આ આઠ દેશ છે ઈટાલી, બ્રિટન, ઉરુગ્વે, સેનેગલ, બોલિવીયા, ફ્રાન્સ, સ્વીડન અને ઈજિપ્ત.

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ ટ્રમ્પના નિર્ણયને સમર્થન આપ્યું નથી.