મસૂદ અઝહર મામલે હજી કેટલાં જુઠ્ઠાણા બોલશે પાક.?

નવી દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. પાકિસ્તાને તાજેતરમાં જ મસૂદ અઝહર ગુમ હોવાની વાત કહી હતી પરંતુ હવે વિગતો સામે આવી છે કે, તે પાકિસ્તાનમાં જ છુપાઈને રહી રહ્યો છે અને પાકિસ્તાન સરકારને આ વાતની જાણકારી પણ છે.

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રહે છે. બહાવલપુરના રેલવે લિંક રોડ પર તેનું ઘર છે. મળતી માહિતી પ્રમાણે જે જગ્યાએ મસૂદ અઝહર છુપાઇને બેઠો છે તે બહાવલપુર આતંકી હેડક્વાર્ટરની પાછળ છે. ત્યાં ખૂબ જ ટાઇટ સિક્યોરિટી પણ છે. બોમ્બ હુમલો પણ આ ઘર પર અસર કરી શકશે નહીં.

મસૂદના બીજા ત્રણ ઘરની પણ ખબર પડી છે. તેમાં કસૂર કોલોની બહાવલપુર, મદરસા બિલાલ હબસી ખૈબર પખ્તૂનખ્વા અને મદરેસા મસ્જિદ-એ-લુકમાન ખૈબર પખ્તૂન્ખવા સામેલ છે. 2016મા પઠાનકોટ હુમલાથી સંબંધિત જે ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યું હતું તેમાં એક ફોન નંબર પણ એવો હતો જેની લિંક બહાવલપુર ટેરર ફેકટરીથી હતી.

અઝહરના ઠેકાણાની ખબર એવા સમયમાં પડી છે જ્યારે પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સામે એમ કહી રહ્યું છે કે મસૂદ અઝહર ગુમ થઇ ગયો છે. તાજેતરમાં આતંકી હાફિઝ સઇદને તો ટેરર ફંડિંગ માટે અંદાજે 5 વર્ષની સજા સંભળાવી છે પરંતુ અઝહર અને મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ જકિઉર રહેમાન લખવી પર કાર્યવાહી ન કરવા માટે તેનું ઉપરાણું પણ લઇ રહ્યા છે.

મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ચીફ છે અને ભારતમાં થયેલી કેટલીય આતંકી ઘટનાઓનો માસ્ટરમાઇન્ડ છે. ગયા વર્ષે પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલાની જવાબદારી પણ જૈશ એ જ લીધી હતી. પાકિસ્તાનમાં હાલ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર અંગે રિપોર્ટસમાં કહેવાઇ રહ્યું છે કે ગુપચુપ રીતે તેને જેલમાંથી નીકાળી દીધો છે. ટોપ ઇન્ટેલિજન્સ સૂત્રોના મતે જૈશના ચીફની તબિયત ખૂબ ખરાબ છે. ખરાબ તબિયતના લીધે મસૂદ હાલમાં સંગઠનના કામથી દૂર છે અને તેનો ભાઇ જ આ સંગઠનનું કામ જોઇ રહ્યો છે. મસૂદનો ભાઇ અબ્દુલ રઉફ અસગર જ હાલ તેની ‘આતંકી ફેકટરી’ ચલાવી રહ્યો છે.