ઈટાલીની જનતાને 28-જૂનથી માસ્ક પહેરવામાંથી મુક્તિ મળશે

રોમઃ ઈટાલીના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દેશમાં 28 જૂનથી મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત નહીં રહે. ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ રોગચાળાના આરંભ વખતે યૂરોપ ખંડમાં ઈટાલી કોવિડ-19નું કેન્દ્રબિંદુ હતું.

ઈટાલીમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી જતાં આરોગ્ય મંત્રાલયે આ ઓર્ડર બહાર પાડ્યો છે. રોગચાળાના ફેલાવાના મામલે ઈટાલીની સરકારે એક વર્ગીકરણ પદ્ધતિ અપનાવી છે, જે હેઠળ જ્યાં કોરોનાનો ફેલાવો સાવ ઘટી ગયો હોય એને ‘વ્હાઈટ’ લેબલ આપવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે 28 જૂન સુધીમાં આખો દેશ ‘વ્હાઈટ’ કેટેગરીમાં આવી જશે. માત્ર વાયવ્ય ખૂણે આવેલા નાનકડા એવા ઓસ્ટા વેલી પ્રદેશમાં જ કોરોનાના કેસ છે. 2020ના આરંભમાં કોરોના ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યારથી ઈટાલીમાં આ બીમારીથી કુલ 1,27,291 જણના મરણ થયા છે અને સંક્રમિત લોકોની સંખ્યા 42 લાખ 50 હજારથી વધુ છે. 6 કરોડની વસ્તીવાળા ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીના 4 કરોડ 60 લાખ આપવામાં આવી ચૂક્યા છે.