રોમઃ ઈટાલીએ દાવો કર્યો છે કે એણે કોરોના વાઇરસ મહામારી-વિરોધી વેક્સિન તૈયાર કરી લીધી છે. ઈટાલીની સરકારે કહ્યું છે કે એણે એવા એન્ટી-બોડીઝ શોધી કાઢ્યા છે, જે માનવ કોશિકામાં મોજૂદ કોરોના વાઇરસને ખતમ કરે છે. જો આ દાવો સાચો હોય તો વિશ્વ માટે આ મોટા રાહતના સમાચાર છે. ઈટાલીની સમાચાર સંસ્થા ANSA અનુસાર રોમની સંક્રમક બીમારીથી જોડાયેલી સ્પાલનજાની હોસ્પિટલમાં આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ઉંદરમાં એન્ટી-બોડીઝ તૈયાર કરવામાં આવ્યા છે. એનો પ્રયોગ માનવશરીર ઉપર પર કરવામાં આવ્યો તો એણે અસર બતાવી હતી.
વૈજ્ઞાનિકોએ એક ઉંદર પર રસીનું પરીક્ષણ કર્યું હતું. પહેલી જ વાર રસી આપ્યા બાદ ઉંદરમાં એન્ટી-બોડીઝ તૈયાર થયા હતા, જેણે વાઇરસની કોશિકાઓને સંક્રમિત કરવાનું અટકાવી દીધું હતું. આ પ્રકારે પાંચ અલગ-અલગ રસીના ઉપયોગથી ઘણા બધા એન્ટી-બોડીઝ તૈયાર કરાયા, જેમાંથી સૌથી સારાં પરિણામ આપનાર બે એન્ટી-બોડીઝને સંશોધનકર્તાઓએ પસંદ કર્યા.
રોમની લઝારો સ્પાલનજાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફેક્શન ડિસિઝના સંશોધનકર્તાઓ કહ્યું છે કે જ્યારે રસીનો ઉપયોગ માનવશરીર પર કરવામાં આવ્યો હતો તો જોવા મળ્યું હતું કે આ રસીએ માનવ કોશિકામાં મોજૂદ વાઇરસને ખતમ કરી દીધા હતા.