ઈઝરાયલે શુક્રવારે (16 મે, 2025) યમનના હુથી-નિયંત્રિત હોદેઈદાહ અને સાલિફ બંદરો પર ભીષણ હવાઈ હુમલા કરી હુથી આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈસરાઈલ કાત્ઝે આ હુમલાઓની પુષ્ટી કરતાં જણાવ્યું કે, બંદરોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને હુથી નેતા અબ્દુલ મલીક અલ-હુથી સહિત સંગઠનના નેતાઓનો સફાયો કરવાના સોગંદ લેવાયા છે. આ હુમલા હુથીઓ દ્વારા ઈઝરાયલ પર તાજેતરના મિસાઈલ હુમલાઓના જવાબમાં કરાયા હતા, જેમાં બેન ગુરિયન એરપોર્ટ નજીક હુમલો સામેલ છે.
કાત્ઝે ચેતવણી આપી કે, જો હુથીઓએ ઈઝરાયલ પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા તો તેમના નેતાઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે ગાઝામાં હમાસ નેતા મોહમ્મદ દેઈફ અને યાહ્યા સિનવાર, બેરૂતમાં હિઝબુલ્લાહના હસન નસરલ્લાહ અને તહેરાનમાં હમાસના ઈસ્માઈલ હાનિયા પર કરાયેલા હુમલાઓનું ઉદાહરણ આપી, હુથી નેતાઓને સમાન પરિણામોની ચેતવણી આપી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું કે, 15 ફાઈટર જેટે 35 મ્યુનિશનનો ઉપયોગ કરી બંદરોના માળખાને નષ્ટ કર્યું, જેનો ઉપયોગ હથિયારોની હેરાફેરી માટે થતો હતો.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું કે, “અમારા પાયલટે હુથીઓના બે મુખ્ય ઠેકાણાઓને સફળતાપૂર્વક નષ્ટ કર્યા. આ માત્ર શરૂઆત છે. હુથીઓ અને તેમના ઈરાની સમર્થકોને વધુ નુકસાન પહોંચાડવામાં આવશે.” IDFના અંદાજ મુજબ, આ બંદરો એક મહિના સુધી નિષ્ક્રિય રહેશે, જે હુથીઓની આર્થિક અને સૈન્ય ક્ષમતાઓને નોંધપાત્ર ફટકો છે.
