ઇઝરાયલે હમાસના વડાને મારીને બદલો પૂરો કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયલે સાત ઓક્ટોબરનો બદલો લઈ લીધો છે. છેલ્લા નવ મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢેર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પણ ઇરાનની રાજધાની તહેરાનમાં માર્યો ગયો છે. હમાસે નિવેદન જારી કરીને ચીફના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલાં ઇઝરાયલી સુરક્ષા દળોએ હાનિયાના ત્રણ પુત્રોને મારી કાઢ્યા હતા.

બીજી બાજુ, ઇરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે તહેરાનમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયાના ઘર પર હુમલો થયો છે, જ્યાં તેનું અને તેના એક બોડીગાર્ડનું મોત થયું છે. ઇસ્માઇલ હાનિયા ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવા અને ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા તહેરાનમાં ગયો હતો. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.વફા ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર પેલેસ્ટિનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ઇસ્માઇલ હાનિયાની હત્યાની નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ ઘટના ગણાવી છે. રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇનના લોકોને એકજૂટ અને ધૈર્ય રાખવા વિનંતી કરી છે.

ઇઝરાયલ અને હમાસની વચ્ચે સાત ઓક્ટોબર, 2023થી યુદ્ધ જારી છે. હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા. હમાસે 250 નાગરિકોને બંધક બનાવ્યા હતા. હજી પણ 150 બંધક હમાસના કબજામાં છે.

કોણ હતો ઇસ્માઇલ હાનિયા?

ઇસ્માઇલ હાનિયા હમાસનો વર્તમાન પ્રમુખ હતો. 6 મે, 2017એ  હમાસે તેને ખાલિદ મશાલના સ્થાને તેના વડા તરીકે ચૂંટ્યો હતો. હાનિયાનો જન્મ ગાઝાના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. હાનિયાએ ગાઝાની અલ-અઝહર સંસ્થામાં શિક્ષણ મેળવ્યું હતું અને ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ 1983માં યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે ઇસ્લામિક સ્ટુડન્ટ બ્લોકમાં જોડાયો હતો.