હમાસના હુમલાને પગલે ઈઝરાયલમાં ‘સંકટાવસ્થા એકતા સરકાર’ રચવાની હિલચાલ

તેલ અવીવઃ પડોશના ગાઝામાંથી હમાઝ આતંકવાદીઓએ કરેલા ભીષણ રોકેટ હુમલા અને એમાં 300 ઈઝરાયલીઓના મરણને કારણે સર્જાયેલી જટિલ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈઝરાયલના નેતાઓ એમની વચ્ચેના રાજકીય મતભેદોને ભૂલી જઈને સંકટ સમયની એકતા સરકારની રચના કરવા અંગે વિચારણા કરી રહ્યા છે.

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ અને વિપક્ષી નેતાઓ યાઈર લાપીડ અને બેન્ની ગાન્ટ્ઝે એકબીજા સાથે વાતચીત કરી હતી અને નેતન્યાહૂની સરકારમાં સામેલ થવા અંગે ચર્ચા કરી હતી. પોતાની સરકારમાં જોડાઈને સંગઠિત રીતે હમાસનો સામનો કરવાની નેતન્યાહૂએ બંને વિપક્ષી નેતાને ઓફર કરી હતી. બંને વિપક્ષી નેતાએ સરકારમાં જોડાવાની એમની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, પરંતુ લાપીડે એવી માગણી કરી હતી કે નેતન્યાહૂ એમના પ્રધાનમંડળમાંથી બે પ્રધાન – બેઝાલેલ સ્મોટ્રિક અને ઈતામાર બેન-ઘાવીરને દૂર કરે. જોકે ગાન્ટ્ઝે ઉક્ત બંને પ્રધાન સાથે મળીને પણ કામ કરવાની તૈયારી બતાવી છે. ગાન્ટ્ઝ ભૂતકાળમાં ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે.