ISKPએ મસ્જિદ-હુમલાની જવાબદારી લીધીઃ 300થી વધુનાં મોત

કાબુલઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન મોડ્યુલ (ISKP)એ અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં અબદ મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. એ શિયા મસ્જિદ પ્રાંતના ખાનબાદ જિલ્લામાં છે. કટ્ટરવાદી સંગઠને એક સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો છે કે આ હુમલામાં 300 શિયા શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. જોકે સૂત્રોએ કહ્યું હતું કે ISKPએ મૃતકોની સંખ્યાનો જે દાવો કરવામાં આવ્યો છે કે એ ખોટો છે. તેમણે કહ્યું હતું કે એ વધારીને કહેવામાં આવ્યો છે.

સૂત્રોએ કહ્યું હતું કે સત્તાવાર ડેટા અનુસાર 50થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ ઇજાગ્રસ્ત છે. આ જઘન્ય આત્મઘાતી હુમલાના કાવતરાખોર એક ઉઇગર આતંકવાદી હતો. આતંકવાદીની ઓળખ મોહમ્મદ-અલ-ઉઇઘુરીના રૂપમાં થઈ છે.

આ બોમ્બના વિડિયો ફુટેજમાં મસ્જિદની અંદર કાટમાળમાં મૃતદેહો દેખાડવામાં આવ્યા, જેનો ઉપયોગ અલ્પસંખ્યક શિયા મુસ્લિમ સમુદાયના લોક કરતા હોય છે. કુંદુજના રહેવાસીઓએ જણાવ્યું હતું કે શુક્રવારની નમાજ દરમ્યાન અબદ મસ્જિદમાં ધડાકો થયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર તેઓ નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. અફઘાનિસ્તાનનું તાલિબાન નેતૃત્વ સ્થાનિક ઇસ્લામિક સ્ટેટના સંગઠનો દ્વારા ઊભાં કરવામાં આવેલાં જોખમોથી ઝઝૂમી રહ્યું છે. ઇસ્લામિક સ્ટેટ હરીફોને નિશાન બનાવી રહ્યું છે અને કાબુલમાં બે બોમ્બ હુમલા કર્યા છે. ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનના ધાર્મિક અલ્પસંખ્યક વર્ગને પણ નિશાન બનાવે છે.