બગદાદ- કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો વડો અબુ બકર અલ બગદાદીની નવી ઓડિયો રેકોર્ડિંગ સામે આવી છે. જેમાં તેણે આતંકી સમુદાયને જેહાદ માટે આહ્વાન કર્યુ છે. ગતરોજ ઈદના પ્રસંગે બગદાદીએ પશ્ચિમી દેશો ઉપર હુમલો કરવાની અપીલ કરી હતી.બગદાદીની આ ઓડિયો ક્લિપ એવા સમયે સામે આવી છે જ્યારે આતંકી સંગઠન ISISને ઈરાક અને સિરિયાના કેટલાંક વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગત વર્ષ સપ્ટેમ્બર બાદ આતંકી સંગઠન ISIS દ્વારા આ પહેલી રેકોર્ડિંગ બહાર પાડવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
કથિત ઓડિયો ક્લિપ મુજબ બગદાદીએ જણાવ્યું છે કે, જે લોકો પોતાના દુશ્મનો વિરુદ્ધ પોતાનો ધર્મ, ધૈર્ય અને જેહાદ ભૂલી ગયા છે અને અલ્લાહના વચનમાં તેઓનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. એવા લોકો બેઆબરુ થઈ ગયા છે. પરંતુ એવા લોકો જેઓ જેહાદના માર્ગ ઉપર ચાલે છે તેઓ શક્તિશાળી છે અને વિજયી છે.
મહત્વનું છે કે, આતંકી સંગઠન ISISએ વર્ષ 2014માં સીરિયા અને ઈરાકના મોટાભાગ પર કબ્જો જમાવ્યો હતો. અને પોતાને આ વિસ્તારના ખલીફા જાહેર કર્યા હતા. પરંતુ સેનાએ બન્ને દેશોના મોટા ભાગના વિસ્તારોમાંથી આતંકી સંગઠન ISISને બહાર હાંકી કાઢ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દેશો દ્વારા સમયાંતરે કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ બગદાદીને અનેક વખત મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. પરંતુ ઈરાનની ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું હતું કે, બગદાદી હજી પણ જીવે છે અને તે સીરિયામાં રહે છે.