ઇરાનના રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

નવી દિલ્હીઃ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળેથી ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી, વિદેશપ્રધાન અને અન્ય લોકોના મૃતદેહ દુર્ઘટનાસ્થળેથી મળવાની પુષ્ટિ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી 63 વર્ષના હતા. ઇરાની રાષ્ટ્રપતિના નિધન પર વડા પ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કરતાં X પર લખ્યું છે કે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધનથી ઊંડો આઘાત લાગ્ય છે અને દુઃખ થયું છે. ભારત-ઇરાન દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઇરાનના લોકો પ્રતિ સંવેદના. દુઃખની આ પળે ભારત ઇરાનની પડખે ઊભું છે.

ઇરાનના બચાવ દળને હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે, જે રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાન સિવાય સાત અન્ય લોકો સવાર હતા. આ પહેલાં ઇરાની રેડ ક્રિસેન્ટના પ્રમુખ પીર હુસૈન કુલિવંદે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે અનેક કલાકોની શોધખોળ પછી ઇમર્જન્સીની ટીમ હજી પણ હેલિકોપ્ટર ક્રેશવાળી જગ્યાએ બે કિલોમીટર દૂર છે. જોકે તેમણે હેલિકોપ્ટર જોઈ લીધું છે અને એની ઓળખ કરી લીધી છે.

રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર રવિવારે ઇરાનના ઉત્તર પશ્ચિમી પ્રાંત ઇસ્ટ અજરબૈજાનના પહાડી વિસ્તારમાં લાપતા થયું હતું. ઇરાન સરકારે તપાસ માટે 40 ટીમો બનાવી હતી. ઇરાનમાં સુપ્રીમ લીડર ખોમેનીએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને રિવોલ્યુશનરી ગાર્ડને અલર્ટ રાખ્યા હતા.

બેલ 212 હેલિકોપ્ટરમાં ઇરાની રાષ્ટ્રપતિ સવાર હતા. આ હેલિકોપ્ટર અમેરિકામાં બનેલું હતું.