તેહરાન – ઈરાનના આ પાટનગર શહેરમાંથી આજે ઉડ્ડયન કર્યા બાદ તરત જ રડાર પરથી ગૂમ થઈ ગયેલા અને ત્યારબાદ દેશના મધ્ય ભાગમાં આવેલા ઝાગ્રોસ પહાડોની હારમાળામાં તૂટી પડેલા એક પેસેન્જર વિમાનના તમામ 66 પ્રવાસીઓનાં કરૂણ મરણ નિપજ્યા છે.
ઈરાન એઝમન એરલાઈન્સના પ્રવક્તાએ સરકાર સંચાલિત ટીવી ચેનલ પર જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં તમામ 66 પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે.
ઈરાનની ઈમરજન્સી સર્વિસે પણ વિમાન દુર્ઘટનાના સમાચારને સમર્થન આપ્યું છે.
એ વિમાન તેહરાનથી યસૌજ જતું હતું ત્યારે મધ્ય ઈરાનના ઈસફાહાન પ્રાંતની દક્ષિણ બાજુએ આવેલા પહાડોમાં તૂટી પડ્યું હતું.
વિમાનમાં 60 પ્રવાસીઓ અને 6 ક્રૂ મેમ્બર્સ હતા.
વિમાન પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એટલે બચાવ કામગીરી શરૂ કરવામાં સમય લાગ્યો હતો.