ઇરાન-તાલિબાનો વચ્ચેનો જળવિવાદ ચરમસીમાએઃ સેના સામસામે

તહેરાનઃ ઇરાન સરહદે પાણીને લઈને પારાયણ શરૂ થઈ છે. અફઘાનિસ્તાન સાથે લાંબા સમયથી જળ વિવાદમાં વધારો થયો છે. હેલમંદ નદીના પાણીને લઈને વિવાદ એટલો વધી રહ્યો છે કે પાણી માટે યુદ્ધ થવાની શક્યતા છે. ઇરાનનો દાવો છે કે હેલમંદ નદીના જળ વહેંચણીની સમજૂતી પર તાલિબાન અમલ નથી કરી રહ્યું. બીજી બાજુ, તાલિબાને સેંકડો ફિદાયિન ઉતાર્યા છે.

ઇરાન હાલના સમયે ભીષણ દુકાળથી ઝઝૂમી રહ્યું છે. જેથી ઇરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ તાલિબાનને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાન સમજૂતીનું સન્માન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. આ ચેતવણીના એક સપ્તાહ પછી ઇરાન અને તાલિબાનની વચ્ચે સરહદે ભારે ગોળીબાર થયો, જેમાં ઇરાની ગાર્ડ ને એક તાલિબાની લડાકુનાં મોત થયાં છે. આ બંને દેશોની વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. તાલિબાન આ મામલે જરા પણ ઝૂકવા તૈયાર નથી, એણે યુદ્ધની તૈયારી કરી લીધી છે.તાલિબાને સરહદે હજારો સૈનિકો અને સેંકડો આત્મઘાતી હુમલાખોરો મોકલ્યા છે. સૈનિકો અને ફિદાયિનોની સાથે મોરચા પર અમેરિકા દ્વારા મૂકી જવામાં આવેલા વાહનો અને હથિયારો પણ મોકલ્યાં છે. થિન્ક ટેન્ક મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના ફતેમેહ અમાનનું કહેવું છે કે આ સ્થિતિ માટે ઇરાન ખુદ દોષી છે.

ઇરાની સાંસદોએ કહ્યું હતું કે સિસ્તાન અને બલૂચિસ્તાનમાં સ્થિતિ એટલી ગંભીર છે કે જો પાણી નહીં મળે તો માનવો માટે સંકટ ઊભું થશે. ગયા વર્ષે 10,000થી વધુ પરિવારો પ્રાંતની રાજધાનીથી ભાગી ગયા છે. ડેમ સુકાઈ રહ્યા છે અને દેશનો 97 ટકાથી વધુ ભાગ દુકાળથી પ્રભાવિત છે. વળી, સિંચાઈના સાંધનો ના હોવાથી બે કરોડ લોકો શહેરોમાં ચાલી ગયા છે.