નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ફરી એક વાર મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અહીં ખાણીપીણીની કિંમતો આકાશને આંબી રહી છે. લોટ અને રોટી જેવી ચીજવસ્તુઓની કિંમતમાં ખાસ્સો વધારો થયો છે કે સામાન્ય લોકો માટે એને ખરીદવામાં મુશ્કેલી પડી છે.
કરાચીમાં એક કિલો લોટ પાકિસ્તાની રૂ. 800નો મળી રહ્યો છે, જ્યારે પહેલાં એ રૂ. 230માં મળતો હતો. એક રોટીની કિંમત પણ રૂ. 25એ પહોંચી છે. આમ તો એ પાકિસ્તની રૂપિયામાં છે એ, પરંતુ ભારતીય કરન્સીમાં જોઈએ તો ત્યાં એ એક કિલો લોટ રૂ. 238માં મળી રહ્યો છે. કરાચીના દુકાનદાર અબ્દુલ હમીદે જણાવ્યું હતું કે બજારમાં એક રોટીની કિંમત રૂ. 25 પાકિસ્તાની રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
કરાચીની એક પ્રાઇમરી સ્કૂલના શિક્ષક અબ્દુલ જબ્બારે જણાવ્યું હતું કે પાયાની ચીજવસ્તુઓ હવે અમારી પહોંચની બહાર છે. તેમણે કહ્યું હતું કે કેટલાય સમય પહેલાં સુધી લોટ રૂ. 230 પ્રતિ કિલો મળતો હતો. હવે એની કિંમત રૂ. 800ને પાર પહોંચી છે. એક વ્યક્તિ જે પ્રતિદિન રૂ. 500 કમાય છે, તે પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરે?
સ્થાનિક ન્યૂઝપેપર ડોનના રિપોર્ટ મુજબ પાકિસ્તાન હાલના સમયે જબરદસ્ત મોંઘવારીથી ઝઝૂમી રહ્યું છે. હાલના મહિનામાં અહીં મોંઘવારી દર 38 ટકા વધી ગયો હતો, જે સાઉથ એશિયામાં સૌથી વધુ છે. ખાદ્ય મોંઘવારી દર પણ 48 ટકે પહોંચ્યો હતો, જે 2016 પછી સૌથી વધુ છે.
શહેરી વિસ્તારોમાં એક વર્ષમાં ટામેટાં 188 ટકા, ડુંગળી 84 ટકા, શાકભાજી 55 ટકા, મસાલા 49 ટકા, શુગર 37 ટકા, બટેટા 36 ટકા, લોટ 32 ટકા અને મીટ 22 ટકાથી વધુ મોંઘા થયાં છે, એમ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેસ્ટિક્સનો રિપોર્ટ કહે છે.