યુક્રેનમાં રશિયાના બોમ્બવિસ્ફોટમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

ખાર્કિવઃ રશિયા-યુક્રેનની ચાલી રહેલી ભીષણ લડાઈમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. યુક્રેનમાં બોમ્બવિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. આ વિદ્યાર્થીનું નામ નવીન શેખરપ્પા હોવાનું જાણવા મળ્યું છે. તે 21 વર્ષનો હતો અને અને તે ચલેગિરિમાં રહેતો હતો.

યુક્રેન અને રશિયાના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેર ખાર્કિવમાં હિમલો તેજ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થી માર્યો ગયો છે. મંત્રાલય તેના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ જારી કરેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે અહીં રહેલા ભારતીયો ટ્રેન કે પછી જે પણ સાધન મળે તેમાં બેસીને નીકળી જાય. રશિયન સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. રશિયાની સેનાનો 64 કિલોમીટર લાંબો કાફિલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન સેનાએ યુક્રેનનાં કેટલાંક શહેરોને ઘેરી પણ લીધાં છે. એમાં ખેરસન શહેરનો પણ સમાવેશ થાય છે.  

રશિયા આજે રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કિવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે. રશિયા યુક્રેનનાં કિવ, ખાર્કિવ સહિત ત્રણ શહેર પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે, જેને કારણે સામાન્ય લોકોને પણ ભારે નુકસાન થયું છે.