US, રશિયા કરતાંય વધારે શક્તિશાળી પહાડી સેના ભારતનીઃ ચીની નિષ્ણાત

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે સરહદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના એક વરિષ્ઠ મિલિટ્રી એક્સપર્ટે ભારતીય સેનાના બે મોઢે વખાણ કર્યા છે. તેમણે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ભારત પાસે વિશ્વની સૌથી શક્તિશાળી અને વિશાળ પર્વતીય બ્રિગેડ છે. અમેરિકા અને રશિયા જેવા મજબૂત દેશો પાસે પણ પર્વતો પર ચાલી શકે એવી શક્તિશાળી સેના નથી.

વિશ્વની સૌથી શક્તિશાળી પહાડી સેના ભારત પાસે છે

મેગેઝિનના એ લેખમાં ચીનના વરિષ્ઠ મિલિટ્રી એક્સપર્ટે કહ્યું છે કે, વર્તમાન સમયમાં વિશ્વની સૌથી શક્તિશાળી પહાડી સેના ભારત પાસે છે, આ પ્રકારની અનુભવી સેના વિશ્વના કોઈપણ દેશ પાસે નથી. ભારતની આ સૈન્ય ટૂકડી સૌથી વધુ અનુભવી અને આધુનિક હથિયારોથી સજ્જ છે. આ સૈન્યની ટૂકડી તિબ્બત સરહદ પર રક્ષણ કરે છે. તેમના જણાવ્યા અનુસાર 1970ના દાયકાથી ભારત પર્વતીય સેનાના સૈન્યને વધારવા પર ભાર મૂકી રહ્યું છે.

આધુનિક હથિયારોથી સજ્જ

ચીનના મિલિટ્રી એક્સપર્ટ વધુમાં કહે છે કે, ભારતીય સેનાએ આ પહાડી વિસ્તારોમાં તેમની સૈન્ય ટુકડીઓને આધુનિક હથિયારો પણ આપ્યા છે. ભારતીય સેના પાસે એસ 777 અને વિશ્વની સૌથી હલ્કી 155 એમએમ હોવિત્ઝર તોપ અને ચિનૂક જેવા હેલિકોપ્ટર છે. આ ઉપરાંત ભારતીય સેનાએ પોતાને અમેરિકા નિર્મિત એએચ-64 ઈ લોગબો અપાચે લડાકુ હેલિકોપ્ટરોથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે.