દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના શાસકોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેણે આવતા વર્ષના આરંભથી સાડા ચાર-દિવસના કામકાજના સપ્તાહ અને દર શનિવાર-રવિવારે સાપ્તાહિક રજાની પદ્ધતિ ફરી લાગુ કરવાનું નક્કી કર્યું છે. શનિ-રવિ વીકએન્ડની પદ્ધતિ ધરાવતા દેશો સાથે નાણાકીય વ્યવહારો, વ્યાપાર અને આર્થિક સોદાઓનું કામકાજ સરળ બની રહે એટલા માટે અને વૈશ્વિક વ્યાપાર બજારમાં વધુ સારો આર્થિક વિકાસ હાંસલ કરી શકાય એ માટે યૂએઈના શાસકોએ આ નિર્ણય લીધો છે.
કાચા તેલનું ઉત્પાદન કરતું આ અખાત રાષ્ટ્રસમૂહ મધ્યપૂર્વ વિસ્તારમાં વ્યાવસાયિક, વ્યાપાર અને પર્યટન ઉદ્યોગોનું કેન્દ્ર ગણાય છે. અહીં હાલ શુક્રવાર-શનિવાર સપ્તાહાંત ગણાય છે અને રવિવારે પણ રજા હોય છે. પરંતુ આવતી 1 જાન્યુઆરીથી તે શનિ-રવિ સાપ્તાહિક રજા અને શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી અડધા દિવસના કામકાજની પદ્ધતિ ફરી લાગુ કરશે. મોટા ભાગના મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં દર શુક્રવારે રજા હોય છે, પરંતુ હવે શુક્રવારે બપોરની નમાઝ પૂર્વે 12 વાગ્યા સુધી લોકોએ કામ કરવાનું રહેશે.
યૂએઈ એટલે સાત આરબ અમિરાત દેશોનો સંઘ, જેમાં અબુધાબી, અજમન, દુબઈ, ફૂજઈરાહ, રસ અલ ખૈમા, શારજાહ અને ઉમ્મ-અલ-કુવૈનનો સમાવેશ થાય છે. યૂએઈનું પાટનગર અબુધાબી છે. અહીંની કરન્સી યૂએઈ દીરહામ છે.