ઈસ્લામાબાદ- ક્રિકેટરથી રાજકારણમાં પ્રવેશેલા અને પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને આજે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ઈમરાન ખાનને ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપતિ મમનૂન હુસેને શપથ લેવડાવ્યા હતા.ઈમરાન ખાન તરફથી નિમંત્રણ મળ્યા બાદ તેના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે કોંગ્રેસના નેતા અને ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાન પહોંચ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે પાકિસ્તાન આવ્યા છે. જેથી બન્ને દેશોના સંબંધો સુધરશે. આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન તરફથી નવજોત સિંહ સિદ્ધુ ઉપરાંત ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ગત 25 જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફે 116 બેઠક જીતી હતી. પરંતુ ઈમરાન ખાન સહિતના કેટલાક ઉમેદવારો એકથી વધુ બેઠકો પર ચૂંટણી જીત્યા હોવાના કારણે પાર્ટીને 6 બેઠક ખાલી કરવી પડી હતી. પાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફને 9 બેઠક લઘુમતી કોટાની અને 33 બેઠક આરક્ષિત કોટાની આપી હતી. બહુમતી મેળવવા માટે ઈમરાન ખાનને અનેક નાના પક્ષોનું સમર્થન લેવાની ફરજ પડી છે.