અહીં રસ્તા પર સૂવાનું ગણાશે ગેરકાયદે, આલોચકોએ ગણાવ્યો ક્રૂર કાયદો

બુડાપેસ્ટ- હંગેરીમાં હવે રસ્તાઓ ઉપર સુવાનું પ્રતિબંધિત થઈ ગયું છે. બેઘર લોકોના સંબંધમાં વડાપ્રધાન વિક્ટર ઓર્બન દ્વારા લાવવામાં આવેલો નવો કાયદો લાગુ થતાની સાથે જ હંગેરીમાં બેઘર લોકો રસ્તા ઉપર સુઈ શકશે નહીં.ઉલ્લેખનીય છે કે, સરકારના આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આલોચકોએ આ કાયદાને ક્રૂર કાયદો ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, હંગેરીની સંસદે ગત 20 જૂને સંવિધાનમાં સંશોધન કરીને સાર્વજનિક સ્થળો ઉપર રહેવા અને સુવા પર પ્રતિબંધિત જાહેર કર્યો છે.

આ પહેલા વર્ષ 2013માં એક કાયદો બનાવીને સાર્વજનિક સ્થળ ઉપર રહેવા માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓએ જણાવ્યું કે, હવે પોલીસને રસ્તા ઉપર સુઈ રહેલા લોકોને ત્યાંથી હટાવવા અને તેમની ઝુંપડપટ્ટીઓ તોડવાનો અધિકાર મળશે.

સરકારી અધિકારીનું કહેવું છે કે, આ કાયદો સમાજના હિતોની સંભાળ રાખનારો છે. હંગેરીના સામાજિક બાબતોના પ્રધાને જણાવ્યું કે, આ કાયદાનો ઉદ્દેશ્ય છે કે, ઘર વગરના લોકો રાત્રે રસ્તા ઉપર બેઠા ન રહે અને સામાન્ય નાગરિક કોઈ પણ પરેશાની વગર તે જગ્યાનો ઉપયોગ કરી શકે.

હંગેરીમાં સરકારી આશ્રયગૃહોમાં લગભગ 11 હજાર લોકોના રહેવાની વ્યવસ્થા છે. પણ જાણકારોનું કહેવું છે કે, હાલ ઓછામાં ઓછા 20 હજાર લોકો રસ્તા ઉપર રહે છે. હંગેરી સરકારુનું કહેવું છે કે, ઘર વગરના લોકોને આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ આ નવા કાયદાની નિંદા કરી છે.