માડ્રિડઃ યુરોપમાં ગયા વર્ષે સૌથી વધુ ગરમી પડવાને કારણે આશરે 62,000 લોકોનાં મોત થયાં હતાં. ગયા વર્ષે 30 મેથી ચોથી સપ્ટેમ્બર દરમ્યાન યુરોપમાં ભીષણ ગરમી સંબંધિત બીમારીને કારણે 61,672 લોકોએ જીવ ગુમાવ્યા હતા, એમ નેચર મેડિસિન જર્નલના અભ્યાસમાં માલૂમ પડ્યું હતું.
પશ્ચિમ દેશોમાં ગરમીથી બચવાના ઉપાયો કારગત નથી રહ્યા. વર્ષ 2022 યુરોપ રેકોર્ડ ગરમીવાળું વર્ષ રહ્યું હતું. ભૂમધ્યસાગરના દેશો ગ્રીસ, ઇટાલી, પોર્ટુગલ અને સ્પેનમાં સૌથી વધુ મોત થયાં છે. ઇટાલીમાં સૌથી વધુ 18,010 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે સ્પેનમાં 11,324 અને જર્મનીમાં 8173 લોકોનાં મોત થયાં હતાં. સંશોધનકર્તાએ જણાવ્યું હતું કે ભીષણ ગરમીએ સિનિયર સિટિજનો અને મહિલાઓને વધુ નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્લેષણ કરવામાં આવેલા આશરે 62000 મોત પૈકી પુરુષોની તુલનાએ મહિલાઓમાં ગરમીથી સંબંધિત મૃત્યદર 63 ટકા વધુ હતો.વર્ષ 2022માં યુરોપના કેટલાય દેશોમાં દુકાળ પડ્યો હતો. આ વર્ષે પણ સ્થિતિ સારી નથી લાગતી. યુરોપમાં સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં વસંતનો મહિનો હોય છે. અત્યારથી અનેક જગ્યાએ દુકાળની સ્થિતિ છે, જે ચિંતાજનક છે.
જોકે આ પહેલી વાર નથી કે યુરોપે આટલી ભીષણ ગરમીનો સામનો કર્યો હોય. આશરે 20 વર્ષ પહેલાં વર્ષ 2003માં ગરમીની સીઝનમાં 70,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં. એ દરમીની લહેર એક અસાધારણ દુર્લભ ઘટના હતી. સંશોદનકર્તાઓએ કહ્યું હતું કે 2003ની ગરમીની લહેર એક ખતરાની ઘંટી હતી.