સોલ (દક્ષિણ કોરિયા): આ પાટનગર શહેરમાં નાઈટલાઈફ માટે જાણીતા એક વિસ્તારની એક ગલીમાં ગઈ કાલે રાતે હેલોવીન પાર્ટી (ઉત્સવ) માટે અપાર ભીડ થઈ હતી અને એ દરમિયાન લોકોનો ખૂબ ધસારો થવાથી અચાનક નાસભાગ મચી ગઈ હતી. એમાં ઓછામાં ઓછા 151 જણ કચડાઈને માર્યા ગયા હતાં. મૃતકોમાં મોટાં ભાગનાં સગીર વયનાં લોકોનો સમાવેશ થાય છે જેઓ વીસની આસપાસની વયનાં હતાં. આ દુર્ઘટનામાં બીજાં 65 જણ ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓમાં 19 જણની હાલત ગંભીર છે. એમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બનાવ નજરે જોનારાઓએ કહ્યું કે લોકોની ભીડ બેકાબૂ રીતે વધી રહી હતી. નાસભાગની દુર્ઘટના રાતે લગભગ 10.20 વાગ્યે બની હતી. ગલીમાં ક્ષમતા કરતાં દસ ગણી વધારે ભીડ થઈ ગઈ હતી.
દરમિયાન, દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સૂક-યોલે મૃતકોનાં પરિવારજનો પ્રતિ દુઃખ વ્યક્ત કરીને દેશભરમાં આજે શોકદિવસ મનાવવાની જાહેરાત કરી છે.
કોરોનાવાઈરસ મહામારીના ફેલાવા બાદ ત્રણ વર્ષ પછી આ પહેલી જ વાર સોલ શહેરના હાર્દ વિસ્તારમાં હેલોવીન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા હોવા છતાં હેલોવીનમાં આવેલા ઘણા લોકો મોઢા પર માસ્ક પહેરીને આવ્યાં હતાં. પાર્ટીમાં સામેલ થયેલાં લોકો વિવિધ રંગરૂપનાં પોશાકમાં સજ્જ થઈને આવ્યાં હતાં.