મોરબી પૂલ-દુર્ઘટના: દુનિયાભરનાં નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

મોસ્કોઃ ગુજરાતના મોરબી શહેરમાં ગઈ કાલે ઝુલતો પૂલ તૂટવાની દુર્ઘટના અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈઝરાયલના વડા પ્રધાન યાઈર લેપીડ સહિત દુનિયાના અનેક દેશોના વડાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર 134 વર્ષ જૂનો ઝુલતો પૂલ (સસ્પેન્શન બ્રિજ) રવિવારે સાંજે તૂટી પડ્યો હતો. પૂલને રીપેર કરાવીને હજી પાંચ દિવસ પહેલા જ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ વધુ પડતી ભીડ જમા થતાં પૂલ તૂટી પડ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા સંદેશમાં પુતિને કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં થયેલી પૂલ દુર્ઘટના અંગે મારી દિલસોજી સ્વીકારશો. આ સંદેશ ક્રેમલીનની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. પુતિને દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનો તથા મિત્રો પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો જલદી સાજા થઈ જાય એ માટે શુભેચ્છા વ્યક્ત કરી છે.

ઈઝરાયલના વડા પ્રધાન લેપીડે એમના શોકસંદેશમાં કહ્યું છે કે ગુજરાતમાં ગઈ કાલે થયેલી વિનાશક પૂલ દુર્ઘટનાને પગલે તમામ ઈઝરાયલોની પ્રાર્થના ભારતનાં લોકો સાથે છે. જાન ગુમાવનાર લોકોનાં પરિવારજનો પ્રતિ હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલદી સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. આવા જ સંદેશા શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ, નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલય, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજ્યાં, પોલેન્ડના વિદેશ પ્રધાને ઝીન્યૂ રાઉએ, ભૂટાનના વડા પ્રધાન લોતે ત્શેરિંગે, ભારતમાંની યૂએસ દૂતાવાસે પણ મોકલ્યા છે.