ઈસ્લામાબાદ- મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) પ્રતિબંધ નિરીક્ષણ ટીમના પાકિસ્તાન પ્રવાસ પહેલા પોતાની અટકાયત થવાનો ડર લાગી રહ્યો છે. જેને લઈને પોતાના બચાવ માટે હાઉઝ સઈદે લાહૌરની હાઈકોર્ટમાં ધરપકડથી બચવા અરજી કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, ભારકત સરકાર અને અમેરિકા તેની ધરપકડ થાય તેમ ઈચ્છે છે.આપને જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) પ્રતિબંધ નિરીક્ષણ ટીમ ઈસ્લામાબાદની મુલાકાતે જશે. જ્યાં સમિતિ એ વાતનું નિરીક્ષણ કરશે કે, પાકિસ્તાન આતંકવાદને લઈને વૈશ્વિક માપદંડો અને પ્રતિબંધોનું પાલન કરે છે કે નહીં? જોકે મીડિયા રિપોર્ટ્સ મુજબ UNSC સમિતિ ટીમને પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદ અથવા તેના પરિસર સુધી જવાની પરવાનગી આપશે નહીં.
પોતાની સંભવિત ધરપકડથી બચવા હાફિઝે પોતાના વકીલ દ્વારા લોહૌર કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેની અટકાયત નહીં કરવા મદદ માગવામાં આવી છે. વધુમાં હાફિઝે એવી પણ માગ કરી છે કે, તેના સંગઠનો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.
આતંકી હાફિઝ સઈદ અને તેના સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહ્યા બાદ ભારત અને અમેરિકા દ્વારા પાકિસ્તાન પર હાફિઝની ધરપકડ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) પ્રતિબંધ નિરીક્ષણ ટીમ પાકિસ્તાનની મુલાકાતે જઈ રહી છે. જેથી તેમાંથી કંઈક સકારાત્મક પરિણામ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, પાકિસ્તાન સરકાર UNSCની ટીમની મુલાકાતને નિયમિત મુલાકાતનો જ એક ભાગ ગણાવી રહી છે.