બાંગ્લાદેશે ચીનની કંપનીને કહ્યું ‘આઉટ’, બ્લેક લિસ્ટમાં કર્યો સમાવેશ

ઢાકા- બાંગ્લાદેશે ચીનની કંપનીની મદદથી પોતાના દેશમાં ચાલી રહેલા રોડ પ્રોજેક્ટને રદ્દ કર્યો છે. બાંગ્લાદેશની સરકારે ચીનની કંપની પર બાંગ્લાદેશી અધિકારો સાથે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવી પ્રોજેક્ટ કેન્સલ કર્યો છે.વોઈસ ઓફ અમેરિકાના જણાવ્યા મુજબ આ પરિયોજનામાં ચીનની કંપની ઢાકા-સ્યાલહટ હાઈવેનું નિર્માણ કરી રહી હતી. પરંતુ તેમના દ્વારા બાંગ્લાદેશી અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લગાવાયા બાદ બાગ્લાદેશની સરકારે પ્રોજેક્ટ કેન્સલ કર્યો અને ચીનની કંપનીનો બ્લેક લીસ્ટમાં સમાવેશ કર્યો છે. જેથી ભવિષ્યમાં કંપની બાંગ્લાદેશમાં કોઈપણ પ્રોજેક્ટમાં નિર્માણ કરી શકશે નહીં.

બાંગ્લાદેશના નાણાપ્રધાને સ્થાનિક અખબારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ચીન હાર્બર એન્જીનિયરીંગ કોર્પેરેશન લિમિટેડને (CHEC) બાંગ્લાદેશની સરકારના અધિકારીઓને લાંચ આપવાના આરોપમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં આ કંપની બાંગ્લાદેશમાં કોઈ પ્રોજેક્ટમાં કામ કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ચીનની આ કંપની પાકિસ્તાનમાં ગ્વાદર અને શ્રીલંકાના હંબનટોટા પોર્ટ જેવી અનેક મોટી યોજનાઓમાં કામ કરવાને કારણે ચર્ચામાં રહી છે. બાંગ્લાદેશના નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર આ મામલામાં આશરે 60 હજાર ડોલર એટલે કે, લગભગ 50 લાખ બાંગ્લાદેશી રુપિયાની લાંચ ઓફર કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીને બ્લેક લીસ્ટ કરવામાં આવી છે.

ઓક્ટોબર 2016માં ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશ સાથે 26 યોજનામાં આશરે 21.5 અબજ ડોલરના રોકાણની વાત કરી હતી. પરંતુ હવે બાંગ્લાદેશે ચીનની કંપનીનો જે રીતે બ્લેક લીસ્ટમાં સમાવેશ કર્યો છે તે જોતાં બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવશે તેમ જાણકારોનું માનવું છે.