અફઘાનિસ્તાનમાં બંદૂકધારીઓએ 14 શિયા મુસલમાનોની કરી હત્યા

કાબુલઃ અફઘાનિસ્તાનના મધ્ય ક્ષેત્રમાં વર્ષનો સૌથી મોટો હુમલો થયો છે. બંદૂકધારીઓએ મધ્ય અફઘાનિસ્તાનના શિયા બહુમતી વિસ્તારમાં 14 લોકોની હત્યા કરી છે, એમ તાલિબાને જણાવ્યું હતું. આ ઘટના દેશમાં આ વર્ષના સૌથી ઘાટક હુમલામાંની એક છે. આ હુમલામાં છ લોકો ઘાયલ થયા છે.

ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના આતંકવાદીઓએ આ હુમલામાં 14 લોકોની હત્યા કરી હોવાની જવાબદારી લીધી છે. બીજી તરફ, તાલિબાને પણ હુમલો થયો હોવાનો સ્વીકાર કર્યો છે. આ ઘટના ગુરુવારે બની હતી. આ હુમલામાં ઘોર અને દાઇકુંડી પ્રાંતોની વચ્ચે યાત્રા કરી રહેલા હજારો શિયા સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં મશીનગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તાએ હુમલાને બર્બર ગણાવીને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. અહીં એ નોંધવું રહ્યું કે ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ દ્વારા નિરંતર થઈ રહેલા હુમલા ચિંતાજનક બાબત છે.

અફઘાનિસ્તાનના હઝારા શિયા મુસ્લિમોને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ ઇસ્લામિક સ્ટેટે તમામ શિયા મુસ્લિમોના ખાતમા માટેનું એલાન કર્યું હતું. જે બાદ હુમલામાં સતત વધારો થવા લાગ્યો છે. અફઘાનિસ્તાન પર કબજો કરનારુ તાલિબાન પણ ISને સમર્થન આપી રહ્યું છે. આ હુમલાની જાણકારી આપતા તાલિબાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નસીર કનાનીએ કહ્યું હતું કે ઇરાકમાં પોતાના ધાર્મિક સ્થળની મુલાકાત બાદ પરત ફરી રહેલા અફઘાનિસ્તાની શિયા મુસ્લિમોને ટાર્ગેટ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે હુમલાની આકરા શબ્દોમાં એની ટીકા કરી હતી. આ હુમલા પાછળ જે પણ લોકો જવાબદાર હશે તેને આકરી સજા આપવામાં આવશે. અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મિશને જણાવ્યું હતું કે આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો શિયા મુસ્લિમો છે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને જે પણ લોકો તેની પાછળ જવાબદાર છે તેને આકરી સજા આપવાની માગ કરીએ છીએ. અફઘાનિસ્તાનમાં અધિકારોના નિષ્ણાત સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ રિચર્ડ બ્રેનેટે કહ્યું હતું કે અમે ISના હુમલા અંગે તાલિબાનને અનેક વખત સતર્ક કર્યું છે. જોકે કોઇ જ પગલાં લેવામાં નથી આવી રહ્યા. આ હુમલા માટે IS દ્વારા એક મશીનગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.