દોહા- કતરમાં અચાનક આવેલા ભારે વરસાદ અને તોફાનને કારણે દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શનિવાર અને રવિવારે આવેલા આશ્ચર્યજનક તોફાન પછી દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.નાના ખાડી દેશમાં અચાનક થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. દોહાના અબૂ હમોર ઉપનગરમાં 6 કલાકથી પણ ઓછા સમયમાં 84 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જે દેશના કુલ સરેરાશ વરસાદ કરતાં 77 મિલીમીટરથી પણ વધારે હતી.
કતર મીડિયાના જણાવ્યા મુજબ આ રણપ્રદેશમાં હાલના સમયમાં જે વરસાદ નોંધાયો છે તે 24 કલાકમાં જ આખા વર્ષનો વરસાદ પડી ગયો છે. અનિયમિત અને મૂશળધાર પડેલા વરસાદે દેશમાં ઓક્ટોબર મહિનામાં એક જ દિવસમાં સર્વાધિક વરસાદનો રેકોર્ડ પણ નોંધાવી દીધો છે.
તોફાન અને વરસાદને કારણે સડક અને હવાઈ સેવાઓ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ કે, દોહા આવતી કેટલીક વિમાની સેવાને પાડોશી દેશ કુવૈત અને ઈરાનમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી.
કતર સરકારે સ્કૂલ, કોલેજ અને સરકારી ઓફિસોને સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે. સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે કે, પાણી ભરાયા હોય તેવા વિસ્તારાં જવાનું ટાળે. ઉપરાંત પવનનું જોર વધારે હોવાથી ઝાડ અને વીજળીના થાંભલા પાસે ઉભા રહેવાનું અને વાહન પાર્ક કરવાનું ટાળે.