રશિયા સાથેની પરમાણુ સંધિથી અલગ થશે અમેરિકા: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારી જાહેરાત કરતા કહ્યું છે કે, શીતયુદ્ધ વખતે અમેરિકા અને રશિયા વચ્ચે મીડિયમ રેન્જના પરમાણુ હથિયારોનું ઉત્પાદન નહીં કરવાની સંધિ કરવામાં આવી હતી. પરંતુ આ કરારનો રશિયા છેલ્લાં કેટલાંક વર્ષોથી ભંગ કરી રહ્યું છે. જેથી હવે અમેરિકાએ આ સંધિમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.પત્રકારોને સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન પણ ઈચ્છે છે કે, અમેરિકા રશિયા સાથેની 30 વર્ષ જૂની સંધિમાંથી અલગ થઈ જાય. બીજી તરફ રશિયાએ અમેરિકાની જાહેરાતને દુર્ભાગ્યપૂર્ણ પગલું ગણાવતા કહ્યું હતું કે, આ સંધિ તોડવાથી આંતરરાષ્ટ્રીય સમાજ માટે ગંભીર પ્રશ્નો ઊભા થશે.

વર્ષ 1987માં અમેરિકાના પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને USSRના તત્કાલિન પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ સાથે મધ્યમ અને ટૂંકી રેન્જની પરમાણુ મિસાઈલોનું ઉત્પાદન નહીં કરવા અંગે કરાર કર્યા હતા. હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ સંધિમાંથી અલગ થવાની જાહેરાત કરતી વખતે કહ્યું કે, રશિયા અને ચીન નવી સંધિ મુદ્દે સહમત ન થાય ત્યાં સુધી અમેરિકા આ સંધિને રદ જાહેર કરશે.

મહત્વનું છે કે, આ સંધિથી અમેરિકા અને તેના મિત્ર દેશોને સંરક્ષણ મળતું હતું. પરંતુ અમેરિકાએ સંધિ તોડી નાખ્યા બાદ યુરોપમાં પણ આ પ્રકારની મિસાઈલો બનાવવાની સ્પર્ધા શરુ થઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]