એટલાન્ટા – અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં બિનનિવાસી ભારતીય (મૂળ વડોદરાના) હરિકૃષ્ણ ઉર્ફે હરીશ મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. એક આફ્રિકન-અમેરિકન શખ્સે એમને ત્રણ ગોળી મારીને ઠાર કર્યા છે.
51 વર્ષીય મિસ્ત્રી મૂળ વડોદરાના વાડી હનુમાન પોળના રહેવાસી હતા અને એટલાન્ટામાં એક ગેસ સ્ટેશન-કમ-સ્ટોરના માલિક હતા. એમને ગયા શનિવારે ઠાર કરવામાં આવ્યા હતા.
મિસ્ત્રીના પરિવારમાં એમના પત્ની શીતલ, પુત્રી નેન્સી (19) અને પુત્ર નયન (4) છે. મિસ્ત્રીના બે બહેન પણ અમેરિકામાં સેટલ થયા છે.
પોલીસે હજી સુધી હુમલાખોરની ધરપકડ કરી નથી.
હરીશ મિસ્ત્રીના ભત્રીજા સુમેદ મિસ્ત્રીએ કહયું કે, મારા કાકા શનિવારે સાંજે એમના સ્ટોરમાંથી રવાના થતા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. એ સ્ટોરની નજીક હતા ત્યારે એક આફ્રિકન-અમેરિકન શખ્સે એમને ત્રણ ગોળી મારી હતી. અમારા સગાંઓનું કહેવું છે કે જે માણસે મારા કાકાને ગોળી મારી હતી એ એમના સ્ટોરમાં કામ કરતો હતો. એમની હત્યાના સમાચાર શીતલકાકી તરફથી મળ્યા હતા. એ જાણીને વડોદરામાં એમના મોટાભાઈના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મિસ્ત્રી ગયા જાન્યુઆરીમાં જ વડોદરા આવ્યા હતા અને એમના મોટા ભાઈ નંદકુમારના પરિવાર સાથે રહ્યા હતા.
હરીશ મિસ્ત્રીની હત્યાના સમાચાર સાંભળીને નંદકુમાર બેહોશ થઈ ગયા હતા.
20 વર્ષ પહેલાં નંદકુમારે જ હરીશને અમેરિકામાં સ્થાયી થવામાં મદદ કરી હતી.