નવી દિલ્હી-MeTooએ દુનિયાનાં મોટા કોર્પોરેટ દિગ્ગજોને પણ છોડ્યાં નથી. મહિલાઓની સાથે થનારા યૌન ઉત્પીડનની વિરૂદ્ધમાં સનફ્રાન્સિસકોમાં ગૂગલનાં 1000 કર્મચારીઓએ એક સાથે વોકઆઉટ કરીને યૌન ઉત્પીડનની વિરૂદ્ધમાં ચાલી રહેલા વૈશ્વિક બહિષ્કારમાં ભાગ લીધો હતો.
પ્રદર્શનકારીઓ સન ફ્રાન્સિસકોના મુખ્ય પ્રર્યટક સ્થળ વોટરફ્રન્ટ એમ્બરકેડેરો ખાતે એકઠા થયાં હતાં. આ લોકોએ હાથમાં વિવિધ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. જેમાં ‘ડોન્ટ બી ઈવિલ’ અને હેશટેગ ‘ટાઈમ્સ અપ ગૂગલ’ લખેલુ હતું. અને મહિલા તેમજ મહિલા અધિકારોને સન્માન આપવાની માગ કરી હતી.
તમને જણાવી દઇએ કે “ફાધર ઓફ એન્ડ્રોઇડ” કહેવાતા એન્ડી રૂબીન પર યૌન શોષણનાં આરોપ લાગ્યા હતાં. ગૂગલ પર આરોપ છે કે આ વાત માલૂમ હોવા બાદ પણ કંપનીએ રૂબીનને બચાવ્યો છે. આ જ વિરોધ વચ્ચે 1000 કર્મચારીઓએ એક સાથે વોકઆઉટ કર્યું હતું.
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એન્ડી રૂબીન પર 2013માં યૌન શોષણનાં આરોપ લાગ્યા હતાં. આરોપ લાગ્યા બાદ પણ ગૂગલે તેઓને એક્ઝિટ પ્લાન અંતર્ગત 9 કરોડ ડોલર એટલે કે 660 કરોડ રૂપિયા આપ્યાં.
આ પહેલા ગૂગલ એક્સનાં ડાયરેક્ટર રિચર્ડ ડેવોલ પર પણ યૌન ઉત્પીડનનાં આરોપ લાગી ચૂક્યાં છે. આને લઇને ડેવોલે મંગળવારનાં રોજ રાજીનામું આપી દીધું હતું. ડેવોલ પર એવો આરોપ હતો કે તેઓએ 2013માં જોબ માટે આવેદન કરવા માટે આવેલી એક મહિલાની વિરૂદ્ધ યૌન પ્રસ્તાવ રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ ગૂગલનાં સીઇઓ પિચાઇએ કહ્યું હતું કે, અમે કંપનીમાં યૌન ઉત્પીડનને મામલે કંઇ જ ચલાવી નથી લેતાં. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, અમે બે વર્ષમાં યૌન ઉત્પીડનનાં 48 આરોપી કર્મચારીઓને કંપનીમાંથી નીકાળી દીધાં છે. જેમાં 13 અધિકારી પણ શામેલ હતાં.