રસી લેનારાઓને જર્મનીમાં લોકડાઉનમાંથી મુક્તિ

બર્લિનઃ જર્મનીના આરોગ્ય પ્રધાન યેન્સ સ્પાને જણાવ્યું છે કે દેશમાં જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી પૂરી લઈ લીધી હોય એમણે હવે ફરીથી સંપૂર્ણ લોકડાઉન નિયંત્રણોનો સામનો કરવો નહીં પડે અને તેઓ રસી ન લેનાર લોકો કરતાં વધારે આઝાદી મેળવી શકશે. યેન્સ સ્પાને વધુમાં કહ્યું છે કે કોરોનાના વેરિઅન્ટના મ્યુટેશન્સ ન થાય ત્યાં સુધી રસીથી રક્ષણ મળતું રહેશે. તેથી જેમણે રસી પૂરેપૂરી લઈ લીધી છે એમણે હવે પહેલાની જેટલા નિયંત્રણોનું પાલન કરવાની જરૂર નહીં રહે. દેશનાં ચાન્સેલર એન્જેલા મર્કેલનાં વડા સહયોગી હેલ્જ બ્રોને પણ કહ્યું છે કે વિજ્ઞાનીઓ એ વાતે સહમત થયા છે કે જેમણે રસી પૂરેપૂરી લઈ લીધી હોય તેમની પર હવે વાઈરસનું જોખમ રહ્યું નથી. તેઓ અન્ય લોકો માટે પણ ચેપ ફેલાવવા માટે જોખમી રહ્યાં નથી. પૂરેપૂરી રસી લઈ લેનાર લોકોને કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર શોપિંગ કરવા મળશે અને મનોરંજન કાર્યક્રમોનો આનંદ માણવા મળશે.

જર્મનીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા બહુ ઓછી છે અને સરકારે વાઈરસને લગતા ઘણા નિયંત્રણોને હળવા કર્યા છે, પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ ફેલાય એનો ગભરાટ ચાલુ છે.