ન્યૂયોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખના આમંત્રણનો સ્વીકાર કરીને પહેલી જ વાર આ દેશની સત્તાવાર મુલાકાત લઈ રહ્યા છે. તેઓ આજે નવી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે અને 24 જૂન સુધી ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસીમાં રહેશે. પહેલાં તેઓ ન્યૂયોર્કમાં રહેશે. ત્યાં તેઓ લગભગ 24 મહારથીઓને મળવાના છે. એમાં નોબેલ ઈનામ વિજેતાઓ, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસીઓ, વિદ્વાનો, શિક્ષણશાસ્ત્રીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તથા બીજા ઘણાનો સમાવેશ થાય છે.
પીએમ મોદી ટેસ્લા કંપનીના સહ-સ્થાપક ઈલોન મસ્ક, ખગોળભૌતિકશાસ્ત્રી નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડવિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલુ (ફાલ્ગુની શાહ), પૌલ રોમર, નિકોલસ નસીમ તલેબ, રે ડેલિઓ, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમેન ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, ડો. પીટર એગર, ડો. સ્ટીફન ક્લાસ્કો, ચંદ્રિકા ટંડન જેવા દિગ્ગજ વ્યક્તિઓને મળવાના છે. મોદીએ અમેરિકા માટે રવાના થતા પૂર્વે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમના આ પ્રવાસનો ઉદ્દેશ્ય વ્યાપાર-ઉદ્યોગ, વાણિજ્ય, ઈનોવેશન, ટેક્નોલોજી તથા આવા અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાનો છે.
આવતીકાલે 21 જૂને, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોઈ, પીએમ મોદી ન્યૂયોર્કમાં યૂએન મુખ્યાલયમાં યોગ દિવસના ઉજવણી કાર્યક્રમની આગેવાની લેશે. તે કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિઓ, રાજદૂતો, અધિકારીઓ, સિલિકોન વેલીના ટેક્નોલોજી મહારથીઓ પણ એમની સાથે જોડાશે.
અમેરિકન પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડને એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે પીએમ મોદીના માનમાં ખાસ ભોજન સમારંભનું આયોજન કર્યું છે. અમેરિકાની મુલાકાત બાદ 24-25 જૂન મોદી ઈજિપ્ત જશે. કોઈ ભારતીય વડા પ્રધાન ઈજિપ્તના સત્તાવાર પ્રવાસે આવે એવો 1995 બાદ આ પહેલો જ પ્રસંગ બનશે.