પેરિસ- ફ્રાંસમાં હાથ વગરના અથવા તો હાથમાં ખોડખાંપણવાળા બાળકો જન્મી રહ્યાં હોવાની મુદ્દો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાંસના ઘણા વિસ્તારોમાં ખોડખાંપણવાળા બાળકોનો જન્મ થયો હોવાનો મામલો સામે આવ્યા બાદ લોકો અને સરકારમાં ડરનો માહોલ પેદા થયો છે. જેથી ફ્રાંસની સરકારે રાષ્ટ્રવ્યાપી સ્તર પર આ મામલાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.ફ્રાંસની પબ્લિક હેલ્થ એજન્સિના પ્રમુખ ફ્રાન્સ્વા બોદલોને આ વાતની પુષ્ટિ કરી છે, કે, પહેલી વખત આ મામલે રાષ્ટ્રવ્યાપી તપાસ શરુ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 3 મહિનામાં આ તપાસનું પરીણામ સામે આવશે. તેમણે RTL રેડિયો પર માહિતી આપી છે કે, આ મામલે દેશના નાગરિકોથી કશું પણ છુપાવવામાં નહીં આવે. ચાલુ સપ્તાહે ફ્રાંસના આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે જન્મજાતા ખોડખાપણ વાળા વધુ 11 કેસ નોંધાયા હોવાનો રિપોર્ટ આપ્યા બાદ આ મામલો વધુ ગંભીર બની ગયો છે.
2000થી 2014ની વચ્ચે સ્વિસ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં આ બિમારી જોવા મળી હતી, જેને જાહેર કરવામાં આવી ન હતી. છેલ્લા 15 વર્ષમાં ફ્રાંસના જૂદા જૂદા વિસ્તારોમાંથી અંદાજે 25 કેસો સામે આવ્યાં છે. જોકે, ભારતની દ્રષ્ટિએ આ સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ ફ્રેન્ચ મીડિયા દ્વારા રિપોર્ટ કર્યા બાદ આ મુદ્દો ડર અને ચર્ચાનો વિષય બની ગયો છે.
ફ્રાંસના આરોગ્ય પણ આ સમસ્યાનો સ્વીકાર કરતા કહ્યું કે, આ બિમારી પર્યાવરણ, ગર્ભવતી મહિલાઓની ખાણી-પીણી જેવા કોઈ પણ મુદ્દા સાથે સંકળાયેલી હોઈ શકે છે.
વ્યવસાયે ડોક્ટર અને આ સમસ્યાનો સામનો કરી ચૂકેલી ઈઝાબેલની ચિંતા જરા જુદી જ છે. ઈઝાબેલએ 2012માં એક બાળકીને જન્મ આપ્યો હતો, જેનો ડાબો હાથ ન હતો. તેમના અનુસાર જે રીતે પ્રશાસન આ મામલાને હેન્ડલ કરી રહ્યું છે, તેનાથી શંકા પેદા થઈ રહી છે.
ઈઝાબેલે તેમની બાળકીના જન્મને યાદ કરતા જણાવ્યું કે, એ એક ખરાબ સ્વપ્ન સમાન હતું. તેમના અનુસાર બાળકીના જન્મના થોડા મહિના બાદ જ તેમને ઉત્તર-પશ્ચિમ ફ્રાંસમાં સમાન બિમારીથી પીડિત કેટલાક પરિવાર મળ્યા હતાં. ઈઝાબેલનું કહેવું છે કે, તેમના સહિત આ સમસ્યાથી પીડિત તમામ પરિવારોને એવું લાગ્યું કે, સરકાર આ મામલાને નજરઅંદાજ કરવા માગતી હતી.
વારસાગત પણ હોઈ શકે છે આ સમસ્યા
1950 અને 1960ના દાયકામાં સમગ્ર દુનિયામાં હજારો બાળકો શારિરીક ખોડખાપણ સાથે પેદા થયાં હતાં. એ સમયે આ મામલાને થાલિડોમાઈડ દવા સાથે જોડવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓને ઉબકા જેવી સમસ્યાના ઈલાજ માટે કરવામાં આવતો હતો. ત્યાર બાદ 1960ના દાયકામાં આ દવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.