માલદીવ: સંબંધો સુધારવા નવા પ્રેસિડેન્ટની શપથવિધિમાં જઈ શકે છે પીએમ મોદી

માલે- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 નવેમ્બરે માલદીવની રાજધાની માલેમાં યોજાનારા નવનિર્વાચિત પ્રેસિડેન્ટ ઈબ્રાહીમ મહમૂદ સોલિહના શપથ સમારોહમાં ભાગ લઈ શકે છે.માલે સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ નવી દિલ્હી તરફથી તેમને આ અંગે સકારાત્મક સંકેત મળ્યા છે. વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું કે, શપથ સમારોહ ઉપરાંત બન્ને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય ચર્ચા પણ યોજાઈ શકે છે.

નવનિર્વાચિત રાષ્ટ્રપતિ સોલિહ સાથે સંકળાયેલા સ્રોત અનુસાર રાજકીય ચેનલ દ્વારા શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. નવી દિલ્હીથી જોડાયેલા સ્ત્રોત પણ કહે છે કે, આ યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે સંવાદ યોજાઈ શકે છે.

વિદેશ મંત્રાલય આ બાબતમાં કંઈ પણ કહેવાનું ટાળે છે. કારણ કે માલદીવ આ સમારોહ માટે અનેક દેશોના ઘણા નેતાઓને આમંત્રિત કરી રહ્યું છે. જો કે  સંબંધમાં એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે, કોણ કોણ આ સમારોહમાં હાજરી આપશે. પરંતુ એવુ જણાવાઈ રહ્યું છે કે, સોલિહની ઇચ્છા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપે.

ઉલ્લેખનીય છે કે, ભારતના પાડોશી દેશોમાં માલદીવ એક એવો દેશ છે જ્યાં પીએમ મોદીએ પ્રવાસ નથી કર્યો. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી વર્ષ 2015માં માલદીવ જવાના હતા. તે અંગેની બધી તૈયારી પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. પરંતુ અચાનક ત્યાંની રાજકીય પરિસ્થિતિ બગડતાં તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]