વોશિંગ્ટન- અમેરિકાની જાસુસી સંસ્થા CIAના પૂર્વ એનાલિસ્ટ અને દક્ષિણ એશિયા મામલાના જાણકારે પાકિસ્તાન ચૂંટણીના પરિણામોને લઈને વિશ્વ સમુદાયને ચેતવણી આપી છે. બ્રુસ રીડેલે જણાવ્યું કે, વિશ્વનો ખતરનાક દેશ હવે વધુ ખતરનાક થઈ શકે છે કારણકે ઈમરાન ખાન ISI અને પાકિસ્તાન આર્મીના સમર્થનથી સત્તામાં આવી રહ્યાં છે. બીજી તરફ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું છેકે, તેઓ પાકિસ્તાનની નવી સરકાર સાથે કામ કરવા રાહ જોઈ રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનની છબી સામાન્ય રીતે પાકિસ્તાની સેનાની કઠપૂતળી તરીકે જોવાય છે. CIAના પૂર્વ એનાલિસ્ટ બ્રુસ રીડેલના મતે ઈમરાન ખાન એવા વ્યક્તિ છે જે પાકિસ્તાનની સમસ્યાઓ માટે અમેરિકાને દોષિત ગણાવી રહ્યાં છે. રીડેલે ઈમરાન ખાનને દક્ષિણ એશિયાના સૌથી મોટા અમેરિકા વિરોધી નેતા ગણાવ્યા છે.
વધુમાં બ્રુસ રીડેલે જણાવ્યું કે, ઈમરાન ખાન પાકિસ્તાની સેનાના સમર્થક છે અને ISIના સંરક્ષણમાં ઈસ્લામી મુવમેન્ટની સાથે મળીને કામ કરી રહ્યાં છે. ઈમરાન ખાન અમેરિકાની નિંદા કરતાં રહે છે અને અમેરિકા પર આરોપ લગાવે છે કે, અમેરિકા પાકિસ્તાનનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહ્યું છે.