ચર્ચામાં છે ગૂગલના આ અજાણ્યા ફાઉન્ડરઃ પત્નીએ લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હીઃ આપણે બધા જ ગૂગલના બે ફાઉન્ડર લેરી પેજ અને સર્ગેઈ બ્રિન વિશે જાણીએ છીએ. પરંતુ બંન્ને સાથે ગૂગલને શરુ કરવામાં અન્ય પણ એક વ્યક્તિનો હાથ હતો. આ વ્યક્તિનું નામ સ્કોટ હસન છે જે અત્યારસુધી બધા માટે અજાણ્યા હતા. લગભગ બધા જેને ભૂલી ચૂક્યા છે એવા હસન આજકાલ ચર્ચામાં છે, જો કે તેમનું ચર્ચામાં રહેવાનું કારણ સારુ નથી. હકીકતમાં હસનની પત્ની અત્યારે તેમને કોર્ટમાં લઈ ગઈ છે. હસન પર આરોપ છે કે બંન્ને વિરુદ્ધ ચાલી રહેલી છુટાછેડાની કાર્યવાહી વચ્ચે તેમના પતિએ પોતાના રોબોટિક સ્ટાર્ટઅપને જાણી જોઈને એક “ફાયર સેલ” (જ્યાં મોટા ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ વેચાય છે) તેમાં વેચી દિધું છે.

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ડેલાવેરમાં નોંધાયેલી એક ફરિયાદમાં એલિસન હુઆને કહ્યું કે તેમના પતિ જે એક ટેક્નોલોજી કંપનીના સીઈઓ છે તેમણે કંપનીની મૂળ સંપત્તિને ચાર લાખ ડોલરમાં ડેનમાર્ક સ્થિત કંપની બ્લૂ ઓશનને વેચી છે. નોધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના મૂળ પોર્ટફોલિયો, કુલ સંપત્તિ અને આની લાઈન્સિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખતા આને વધારે સારી કીંમતમાં વેચવી જોઈતી હતી.

પતિ અને પત્ની વચ્ચે અત્યારે આ મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ લોકોના લગ્ન 2001 માં થયા હતા અને વર્ષ 2015 માં આ લોકો વચ્ચે છુટાછેડાની કાર્યવાહી શરુ થઈ ગઈ જેનું સમાધાન હજી આવ્યું નથી. રિપોર્ટ અનુસાર આ કંપનીમાં એલિસને પણ પૈસા લગાવ્યા હતા અને જેને લઈને એક ભાગીદાર તરીકે તે હસન પર કેસ કરી રહી છે.

લેરી પેજ અને સર્ગેઈ બ્રિન સાથે હસનની મુલાકાત સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં થઈ હતી. ઓરિજનલ સર્ચ એન્જિનના પ્રોગ્રામિંગમાં હસનનો મહત્વપૂર્ણ ફાળો હતો.