ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એક હિન્દુ યુવતીએ એ સફળતાનાં શિખરો સર કર્યાં છે, જે આ પહેલાં કોઈ પણ હિન્દુ યુવતીએ હાંસલ નથી કર્યાં. 27 વર્ષીય ડો. સના રામચંદ્ર ગુલવાની સેન્ટ્ર સુપિરિયર સર્વિસિસ (CSS)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઇતિહાસ રચ્યો છે. સનાએ પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી છે અને હવે એની નિયુક્તિમાં મહોર પણ લાગી છે. આ પરીક્ષા કેટલી અઘરી હોય છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે પાકિસ્તાનમાં એ પરીક્ષામાં જેટલા પરીક્ષાર્થી સામેલ થયા હતા, તેમાંથી માત્ર બે ટકાથી પણ ઓછા પરીક્ષાર્થીઓએ સફળતા હાંસલ કરી હતી. CSS દ્વારા પાકિસ્તાનમાં વહીવટી સેવાઓમાં નિયુક્તિ થાય છે અને એને ભારતની સિવિલ સર્વિસિસની પરીક્ષાની જેમ માનવામાં આવે છે.સનાએ સિંધ પ્રાંતની રૂરલ સીટથી આ પરીક્ષામાં ભાગ લીધો હતો. એ સીટ પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસેટને અંતર્ગત આવે છે. સનાએ કહ્યું હતું કે આ મારો પહેલો પ્રયાસ હતો. જે મેં ધાર્યું હતું, એ મેં હાંસલ કર્યું હતું. જોકે સનાનાં માતાપિતા નહોતા ઇચ્છતા કે તે એડમિનિસ્ટ્રેશનમાં જાય, કેમ કે તેમનું સપનું સનાને ડોક્ટર બનાવવાનું હતું.
સનાએ પરીક્ષા પાસ કર્યા પછી વાતચીતમાં કહ્યું હતું કે મારા માતાપિતાનું સપનું મેં પૂરું કરી લીધું છે. હું ડોક્ટરની સાથે હવે એડમિનિસ્ટ્રેશનનો ભાગ પણ બનવા જઈ રહી છે. સનાએ પાંચ વર્ષ પહેલાં સ્વ બેનઝીર ભુટ્ટો યુનિવર્સિટીથી બેચલર ઓફ મેડિસિનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એ પછી તે સર્જન પણ છે. યુરોલોજીમાં માસ્ટર ડિગ્રી હાંસલ કર્યા પછી સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસની તૈયારીમાં લાગી ગઈ હતી. સના શિકારપુરની સરકારી સ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું.