અમેરિકામાં ક્રિસમસની રજાઓ માણતાં મુસાફરો પરેશાન, 800 ફ્લાઈટ રદ

નવી દિલ્હી: અમેરિકાના મધ્યભાગ તરફથી શિયાળામાં આવતા એક શક્તિશાળી તોફાન પસાર થવાના કારણે દેશભરની હવાઈ મુસાફરીને ગંભીર અસર પહોંચી છે. બર્ફ વર્ષા અને ઝડપથી ફુંકાઈ રહેલા પવનને કારણે હજારો ફ્લાઈટો મોડી પડી રહી છે. જેથી ક્રિસમસની રજાઓમાં મુસાફરી કરી રહેલા લોકોને ભારે હાલાકી પડી રહી છે, ફ્લાઈટોના ટાઈમટેબલની દેખરેખ રાખતી એક વેબસાઈટ ફ્લાઈટવેયરના અનુસાર 6500થી વધુ ફ્લાઈટો તેના સમય કરતા મોડી ઉડાન ભરી રહી છે, જ્યારે અંદાજે 800 ફ્લાઈટો રદ કરી દેવામાં આવી છે.

અમેરિકાના ઉત્તરી અને મધ્ય મેદાની ભાગોમાં વરસાદ, બર્ફ વર્ષા અને ઝડપી પવનોને કારણે જમીન માર્ગે મુસાફરી કરવી વધુ ખતરનાક બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં તોફાન નબળું પડતા પહેલા એક ફૂટથી વધારે બરફના થર જોવા મળ્યા હતાં.

અધિકારીઓએ નેબ્રાસ્કાના કેટલાક વિસ્તારોમાં લો વિસિબિલીટી હોવાની પણ જાણકારી આપી છે. સાથે જ આંતરરાજ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. નોર્થ ડકોટાએ રાજ્યના પૂર્વ વિસ્તારની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વાતવરણ એવા સમયે ખરાબ થયું છે, જ્યારે મોટાભાગના અમેરિકન નાગરિકો ક્રિસમસની રજાઓમાં મુસાફરી કરી રહ્યાં છે. બર્ફ વર્ષામાં એક જગ્યાએ ફસાયેલા નાગરિક ડેનિસ નાઈટે કહ્યું કે, અમારી ક્રિસમસની રજાઓ બર્બાદ થઈ ગઈ.