ફેસબુકે તાલિબાન-સંબંધિત સામગ્રી પર પ્રતિબંધ મૂકી દીધો

મેન્લો પાર્કઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના મેન્લો પાર્કસ્થિત મલ્ટીનેશનલ ટેક્નોલોજી અને સોશિયલ મિડિયા કંપની ફેસબુકે કહ્યું છે કે તેણે એના પ્લેટફોર્મ પર તાલિબાન સંબંધિત તમામ સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. ફેસબુકે તાલિબાનને ત્રાસવાદી જૂથ તરીકે ગણ્યું છે. તેણે ઈસ્લામિક જૂથ તાલિબાન સંબંધિત સામગ્રીઓને ‘ખતરનાક સંસ્થા નીતિઓ’ હેઠળ મૂકીને તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફેસબુકનો આ નિર્ણય તેના તમામ પ્લેટફોર્મને પણ લાગુ પડે છે, જેમ કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ. તાલિબાનને લગતી પોસ્ટ/સામગ્રીઓ પર દેખરેખ રાખવા અને તેને દૂર કરવા માટે ફેસબુકે અફઘાન નિષ્ણાતોની એક ટીમને નિયુક્ત કરી છે. ફેસબુકે કહ્યું છે કે અમેરિકાના કાયદા હેઠળ તાલિબાનને ત્રાસવાદી સંસ્થા તરીકે ગણવામાં આવી છે તેથી અમે અમારી ‘ખતરનાક સંસ્થા નીતિઓ’ની શ્રેણી હેઠળ તાલિબાનને લગતી સામગ્રીઓને મૂકીને તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાન સંગઠને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવાની નવી-નવી માહિતી પૂરી પાડવા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કર્યો છે.

માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ, સોશિયલ મિડિયાની અન્ય એક કંપની ટ્વિટરએ પણ હિંસક સંસ્થાઓ અને દ્વેષયુક્ત વર્તણૂકની વિરુદ્ધ નીતિઓ ઘડી છે. ત્રાસવાદને ઉત્તેજન આપનાર કે નાગરિકો પર હિંસા કરતા જૂથોને તે પરવાનગી આપતું નથી. તાલિબાનના પ્રવક્તાઓ ટ્વિટર ઉપર હજારો ફોલોઅર્સ ધરાવે છે. યૂટ્યૂબ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કરાયું નથી.