ઈથિયોપીયન એરલાઈન્સના વિમાનની દુર્ઘટનામાં 157 પ્રવાસીનાં કરૂણ મરણ; મૃતકોમાં ચાર ભારતીય

એડીસ અબાબા (ઈથિયોપીયા) – ઈથિયોપીયન એરલાઈન્સનું 737 બોઈંગ વિમાન સ્થાનિક સમય મુજબ આજે સવારે અહીંથી કેન્યાના પાટનગર નૈરોબી તરફ જતું હતું ત્યારે ક્રેશ થયું હતું. એને કારણે વિમાનમાં સફર કરી રહેલા 149 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો, તમામનાં મરણ નિપજ્યાં છે. આ વિમાનમાં 4 ભારતીય પણ સફર કરી રહ્યાં હતાં.

આ વિમાને એડીસ અબાબાથી ટેક ઓફ્ફ કર્યા બાદ તરત જ એ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

વિમાનમાં 149 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો હતા. કમનસીબ વિમાનમાં 32 દેશો તથા યુનાઈટેડ નેશન્સના પાસપોર્ટ ધરાવતા લોકો સફર કરી રહ્યા હતા. સૌથી વધુ કેન્યાના પ્રવાસીઓ હતા – 32. જ્યારે કેનેડાના 18, ઈથિયોપીયાના 9, ઈટાલી, ચીન, અમેરિકાના 8-8, બ્રિટન અને ફ્રાન્સના 7-7, ઈજિપ્તના 6, નેધરલેન્ડ્સના પાંચ, ભારતના ચાર તથા યુએન પાસપોર્ટ ધરાવતા 4 જણ સફર કરી રહ્યા હતા.

આ દુર્ઘટના આજે સવારે 8.44 વાગ્યે થઈ હતી. વિમાને એડીસ અબાબાથી 8.38 વાગ્યે ટેક ઓફ્ફ કર્યું હતું અને 8.44 વાગ્યે તે ક્રેશ થયું હતું.

વિમાન એડીસ અબાબાની દક્ષિણ બાજુએ લગભગ 50 કિ.મી. દૂરના સ્થળ બિશોફ્તુ અથવા ડેબ્રે ઝીટની આસપાસમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઈથિયોપીયન એરલાઈન્સનું કહેવું છે કે બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ છે, પરંતુ કોઈ પ્રવાસી બચી શક્યા છે કે નહીં એની હજી સુધી કોઈ જાણકારી નથી.

બીજી બાજુ, ઈથિયોપીયાના વડા પ્રધાન કાર્યાલયે દુર્ઘટનાગ્રસ્ત પ્રવાસીઓનાં પરિવારજનો પ્રતિ દિલસોજી વ્યક્ત કરતું નિવેદન બહાર પાડી દીધું છે.

ઈથિયોપીયન એરલાઈન્સ ઈથિયોપીયાની સરકારની માલિકીની છે. તે આફ્રિકાની સૌથી મોટી એરલાઈન ગણાય છે.