હવાના- ક્યૂબામાં રાઉલ કાસ્ત્રોએ પ્રેસિડેન્ટનું પદ છોડતાની સાથે જ 60 વર્ષથી ચાલી રહેલા કાસ્ત્રો યુગનો પણ અંત આવ્યો છે. કાસ્ત્રોએ લાંબા સમયથી ઉપરાષ્ટ્રપતિ રહેલા મિગેલ ડિયાઝ કનેલને પોતાનું પદ સોંપ્યું છે. આ સાથે જ ક્યૂબામાં 60 વર્ષથી ચાલી રહેલી કાસ્ત્રો પરિવારની પકડ પણ સમાપ્ત થઈ ગઈ છે.57 વર્ષના ડિયાઝ કનેલ કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓ પૈકી એક છે. તેઓ વર્ષ 2013માં પ્રથમવાર ક્યૂબાના ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા અને હવે 1959ની ક્રાંતિ બાદ તેઓ ક્યૂબાના એવા પ્રથમ નેતા છે, જેઓ કાસ્ત્રો પરિવાર સાથે સંબંધ નહીં ધરાવતા હોવા થતાં ક્યૂબાના પ્રેસિડેન્ટ બન્યાં છે.
ઉલ્લેખનીય છે કે, શીત યુદ્ધના સમયમાં મહત્વની ભૂમિકા ભજવનારા ફિદેલ કાસ્ત્રો અને ત્યારબાદ તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોએ દેશની સત્તા સંભાળી હતી. 86 વર્ષે નિવૃત્ત થયેલા રાઉલ કાસ્ત્રો વર્ષ 2006થી ક્યૂબાના રાષ્ટ્રપતિ પદે હતા. તેમણે તેમના મોટાભાઈ ફિદેલ કાસ્ત્રોની બિમારીના કારણે ક્યૂબાના રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યો હતો.
આપને જણાવી દઈએ કે, ડિયાઝ કનેલ રાષ્ટ્રપતિ પદ માટે એકલા ઉમેદવાર હતાં. ક્યૂબાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા પહેલાં પણ કનેલ રાજકીય ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા હતાં. જોકે રાઉલ કાસ્ત્રો પ્રેસિડેન્ટનું પદ છોડવા છતાં ક્યૂબાના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ બની રહેશે. તેઓ વર્ષ 2021માં કમ્યુનિસ્ટ પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશન સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવશે.