સિંગાપુર એરલાઇન્સના વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગઃ એકનું મોત

સિંગાપુરઃ લંડનથી સિંગાપુર જઈ રહેલી સિંગાપુર એરલાઇન્સની એક ફ્લાઇટને એર ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. એ દરમ્યાન પ્લેનને બેંગકોકમાં ઇમર્જન્સી  લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એને કારણે એક પેસેન્જરનું મોત થયું છે અને 30થી વધુ પેસેન્જરો ઘાયલ થયા છે.

સિંગાપોર એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપોર જઇ રહી હતી ત્યારે તેને ઇન-ફ્લાઇટ ટર્બુલેંસનો  સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફ્લાઇટનું સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે બેંગકોકમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઈંગ 777-300ER વિમાન 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે લંડનથી સિંગાપોર જઈ રહ્યું હતું ત્યારે તેનું ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. એરલાઇને કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. સિંગાપોર એરલાઈન્સે જણાવ્યું હતું કે અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઇલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને કોઈ પણ સહાય પૂરી પાડવા માટે એક ટીમ બેંગકોક મોકલી રહ્યા છીએ.

 

એર ટર્બુલેંસ શું છે?

એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. જેના કારણે પ્લેનને આંચકો લાગે છે અને તે હવામાં ઉપર-નીચે ફરવા લાગે છે. એર ટર્બુલેંસમાં પ્લેનમાં બેઠેલા મુસાફરો નાના આંચકાથી લઈને મજબૂત અને લાંબા સમય સુધીના આંચકા સુધી કંઈપણ અનુભવી શકે છે. આવા સંજોગોમાં ફ્લાઇટને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જેના કારણે પ્લેન એક્સિડન્ટ પણ થઈ શકે છે.