ઇસ્લામાબાદઃ મોંઘવારી અને આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે વીજસંકટ ઊભું થયું છે. અહીં મોટો પાવર કટ થયો છે. ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોમાં અંધારું વ્યાપી ગયું છે. ઊર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ ગ્રિડ સવારે 7.34 કલાકે ડાઉન થઈ ગઈ છે. જેથી પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.
ઊર્જાપ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં શિયાળામાં વીજ બચાવવા માટે પાવર જનરેશન યુનિટ્સને બંધ રાખવામાં આવે છે. પાકિસ્તાન પહેલેથી વીજળીની અછતનો સામનો કરી રહ્યો છે અને લાંબા વીજકાપનો સામનો કરી રહ્યો છે. સરકાર વીજળી બચાવવા માટે બજારોને આઠ કલાકે બંધ કરવાનો આદેશ જારી કરી ચૂકી છે.
બલૂચિસ્તાનના 22 જિલ્લા સહિત, ઇસ્લામાબાદ, લાહોર, મુલતાનના શહેરો અને કરાચી જેવા અનેક જિલ્લાઓમાં વીજળી કાપ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 117 પાવર ગ્રિડ વગર વીજળીના છે. પાકિસ્તાનમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજી વાર છે કે દેશની પાવર ગ્રિડ આ પ્રકારે ઠપ થઈ ગઈ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવર કટ થયો હતો. ત્યારે કરાચી, લાહોર જેવાં શહેરોમાં આશરે 12 કલાક વીજ ગૂલ હતી.
પાકિસ્તાનમાં વીજ સંકટનું મુખ્ય કારણ આર્થિક સંકટ છે. અહીંના મોટા ભાગના પ્લાન્ટ ઓઇલથી ચાલી રહ્યા છે. એ ઓઇલ આયાત કરવામાં આવે છે. પાકિસ્તાનનો વિદેશી કરન્સી ભંડાર છેલ્લાં આઠ વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે, જેથી ઓઇલ આયાત નથી થઈ રહ્યું. ઓઇલ આયાત ન થવાને કારણે વીજ ઉત્પાદન થઈ નથી રહ્યું અને એને લીધે વીજ અછતનો પાકિસ્તાન સામનો કરી રહ્યો છે.