હેલસિન્કી- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે મહત્વના સમ્મેલનમાં હાજરી આપવા ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી પહોંચી ગયા છે. અહીં બન્ને નેતા અમેરિકા અને રશિયા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પણ ચર્ચા કરશે.આપને જણાવી દઈએ કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડેનાલ્ડ ટ્રમ્પે માર્ચ-2018માં રશિયાના પ્રેસિડેન્ટ તરીકે ફરીવાર ચૂંટાઈ આવવા પર પુતિનને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ બન્ને નેતાઓએ બેઠક માટે ચર્ચા કરી હતી. આ બેઠકમાં બન્ને નેતાઓ વચ્ચે સીધી ચર્ચા કરવામાં આવશે. તેમજ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન સાથે બેઠક પુરી થશે. મળતી માહિતી મુજબ બન્ને નેતાઓ એક સંયુક્ત નિવેદન પણ જારી કરે તેવી શક્યતા છે.
અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે નક્કી કરેલા સમયે બેઠક યોજાય તે મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ વર્ષ 2016માં પ્રેસિડેન્ટ ઈલેક્શન દરમિયાન રશિયાના કથિત હસ્તક્ષેપને લઈને રશિયાના 12 ઈન્ટેલિજન્સ ઓફિસર્સ પર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.