વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન સામે સતત આકરા પગલા લેવમાં આવી રહ્યાં છે. ટ્રમ્પ પ્રશાશન વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સામે હજી પણ વધુ એક્શન મોડમાં આવી શકે છે.
ટ્રમ્પ પ્રશાશનના અધિકારીએ જણાવ્યું કે, ગત ઘણા સમયથી અમેરિકા સતત સંયમ રાખી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાને આતંકીઓ સામે કાર્યવાહી કરવાનું બંધ કર્યું છે અને આતંકીઓનો આશ્રયદાતા દેશ બની રહ્યો છે. જેના કારણે આતંકીઓ અમેરિકા અને તેના સહયોગી દેશને ટાર્ગેટ કરીને હુમલો કરી રહ્યાં છે. જેના લીધે અમેરિકા પર કરવામાં આવેલા 9/11ના આતંકી હુમલા બાદ અમેરિકાએ આતંકવાદ સામે જે નીતિ બનાવી હતી તે યોગ્ય રીતે કામ નથી કરી રહી.
અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જમીન પરથી આતંકવાદનો સદંતર નાશ કરવામાં આવે. ટ્રમ્પ પ્રશાશને જણાવ્યું કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાંક સમયથી આતંકી પ્રવૃત્તિમાં સતત વધારો થયો છે. પાકિસ્તાનમાં આતંકીઓ કોઈ પણ જાતના ડર વિના જાહેરમાં ફરી રહ્યાં છે. જેનાથી અમેરિકા ઘણું ચિંતિત છે.
ઉલ્લેખનીય છે કે, આતંકીઓ માટે ‘સેફ હેવન’ બનેલા પાકિસ્તાન સામે અમેરિકા હરકતમાં આવ્યું છે અને તેને આપવામાં આવતી આર્થિક સહાય પર રોક લગાવવામાં આવી છે. જેના લીધે હવે પાકિસ્તાન બેકફૂટ પર આવ્યું છે અને તેણે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાને બ્લેક લીસ્ટ કર્યું છે. સાથે જ તેના ટ્વીટર એકાઉન્ટને પણ સસ્પેન્ડ કર્યું છે.